દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માના સરકારી બંગલે લાગેલી આગ દરમિયાન ચારથી પાંચ કોથળા ભરીને 500 રૂપિયાના દરની અડધી બળી ગયેલી નોટો મળી આવવા મામલે સુપ્રીમ કોર્ટની આંતરિક સમિતિએ તપાસ શરૂ કરી દીધી છે.
સુપ્રીમ કોર્ટે નીમેલી આ સમિતિના ત્રણ સભ્ય- પંજાબ-હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગૂ, હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ જી. એસ. સંધાવાલિયા અને કર્ણાટક હાઇકોર્ટનાં જસ્ટિસ અનુ શિવરામનની ટીમ મંગળવારે જસ્ટિસ વર્માના 30, તુઘલક ક્રેસેન્ટ ખાતે સ્થિત બંગલે તપાસ માટે પહોંચી હતી. તપાસ દરમિયાન સમિતિના સભ્યો 30-35 મિનિટ સુધી બંગલામાં રહ્યા. તેમણે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. નોંધનીય છે કે 14 માર્ચે મોડી રાત્રે જસ્ટિસ વર્માના બંગલે આગ લાગ્યા બાદ અડધી બળી ગયેલી નોટો મળી આવી હતી.
જસ્ટિસ વર્માના બંગલે આગ દુર્ઘટના મામલે દિલ્હી પોલીસના પાંચ કર્મી પણ રડાર પર આવ્યા છે. પાંચ પોલીસકર્મી 14 માર્ચે દુર્ઘટનાની રાતે સૌપ્રથમ પ્રતિક્રિયા આપનારાઓમાં સામેલ હતા. સોમવારે સવારે પાંચેય પોલીસકર્મીને દિલ્હીના પોલીસ કમિશનર સંજય અરોડાએ પોતાની ઓફિસમાં બોલાવી પૂછપરછમાં સહકાર આપવા કહ્યું હતું.
અલાહાબાદ હાઇકોર્ટ બાર એસોસિયેશને જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની કાર્યવાહીની માગ કરતો પ્રસ્તાવ પસાર કર્યો છે. એસોસિયેશને કહ્યું કે જસ્ટિસ વર્મા સામે તત્કાળ મહાભિયોગની કાર્યવાહી શરૂ થવી જોઇએ. સીજેઆઇએ તે માટેની ભલામણ કરી દેવી જોઇએ.