Saturday, Dec 13, 2025

સુરતના સરથાણામાં મહિલા ડોક્ટરના આપઘાતથી ચકચાર

1 Min Read

સુરતના સરથાણામાં મહિલા ડોક્ટરના આપઘાતથી ચકચાર મચી છે. શોપિંગ મોલમાં 9માં માળે આવેલા કેફેમાંથી નીચે ઝંપલાવ્યું. લગ્નના બે મહિના પહેલા ડોક્ટરે જીવન ટૂંકાવ્યું. પોલીસે આપઘાતનો ભેદ ઉકેલવા વધુ કાર્યવાહી હાથ ધરી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં એક 27 વર્ષિય ડોક્ટરે આપઘાત કરી લીધો છે. શુક્રવારે(21 નવેમ્બર) સાંજે 7 વાગ્યે સરથાણાના શ્યામધામ મંદિર પાસે આવેલી વિશ્વા રેસિડેન્સિમાં રહેતી રાધિકા કોટડિયા નામની મહિલા ડોક્ટર બિઝનેસ હબના નવમા માળે આવેલા ચાઈ પાર્ટનર કાફેમાં ગઈ હતી. જ્યાં અચાનક ખુરશીમાંથી ઊભી થઈ નવમા માળેથી કૂદી આપઘાત કરી લીધો હતો. એકાએક પગલું ભરતાં લોકો ભેગા થઈ ગયા હતા. બાદમાં રાધિકા કોટડિયાને ગંભીર હાલતમાં હોસ્પીટલ ખસેડવામાં આવી હતી. જો કે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. એકાએક કરેલા આપઘાતથી પરિવારમાં ભારે દુઃખ માહોલ છવાઈ ગયો છે.

જાણવા મળ્યું છે કે મહિલા ડોક્ટર ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી. તેની સગાઈ 6 મહિના પહેલા જ એક યુવક સાથે થઈ હતી. આગામી ફેબ્રુઆરી મહિનામાં તેના લગ્ન થવાના હતા. જો કે લગ્ન કરે તે પહેલા આપઘાતનું પગલું ભરતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. આપઘાત પાછળનું હજુ સુધી ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. જેથી સરથાણા પોલીસે પરિવારના નિવેદન અને મોબાઈલના આધારે મહિલા ડોક્ટરના આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article