સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કરિયાણાની દુકાન ધરાવતા પરિવારની 13 વર્ષીય અને ધોરણ આઠમાં આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પરિવારનો આક્ષેપ છે કે, છેલ્લા ત્રણ મહિનાની 17000 ફી બાકી હતી. જેને લઈને દીકરીને ક્લાસની બહાર ટોયલેટ પાસે ઉભી રાખતા હતા. તેને સજા આપવામાં આવતી હતી અને દબાણ કરવામાં આવતું હતું. જેને લઈને તે સતત ઘરે આવીને રડતી હતી.

મળતી માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તાર રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8મા અભ્યાસ કરતી હતી. મૃતક વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, ફી નહીં ભરવાને લઇને વિદ્યાર્થિનીને બે દિવસ સ્કૂલ સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી. વિદ્યાર્થિની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી, તેઓ તેના પર દબાણ કરતા રહ્યા. આખરે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. જોકે વિદ્યાર્થિનીના આપઘાતનું સાચુ કારણ જાણવા માટે ગોડાદરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
મૃતક દીકરીના પિતા રાજુલાલ ખટીકે કહ્યું કે, મારી દીકરીને પરીક્ષા આપવા પણ દીધી નહોતી. ઘરે રડતાં રડતાં આવી હતી. બાદમાં અમે શિક્ષકને ફોન કર્યો હતો. એક મહિનામાં ફી ભરી દેવા કહ્યું હતું. મારી દીકરી શાળાએ જવા પણ ઈચ્છતી નહોતી. અમે કામ પર ગયા હતાં. એ દરમિયાન સાંજે આપઘાત કરી લીધો હતો. અમારી એક જ માગ છે કે આવું કોઈ દીકરી સાથે ન થવું જોઈએ.
આ પણ વાંચો :-