Thursday, Dec 18, 2025

હિંદુ અધ્યયન પ્રતિષ્ઠાન દ્વારા ‘BKS અભિમુખતા’નું સફળ આયોજન

3 Min Read

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન તમામ કોલેજોમાં ભારતીય જ્ઞાન પરંપરાનું અધ્યાપન કરાવતા શિક્ષકો માટે હિંદુ અધ્યયન પ્રતિષ્ઠાનના તત્ત્વાવધાન હેઠળ ‘BKS અભિમુખતા’નું આયોજન કરવામાં આવ્યું હતું.

કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ભારતીય જ્ઞાન પરંપરા માત્ર ભૂતકાળની સ્મૃતિ નથી, પરંતુ વર્તમાન અને ભવિષ્યની દિશા નક્કી કરતી જીવંત ચેતના છે. તેમણે ભારતીય દર્શન, જીવનમૂલ્યો અને લોકજ્ઞાનને યુનિવર્સિટી પાઠ્યક્રમોમાં અસરકારક રીતે સમાવવામાં લાવવા પર ભાર મૂક્યો હતો.

કુલસચિવ રમેશદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભારતીય જ્ઞાન પરંપરામાં રહેલું લોક, પ્રકૃતિ અને સમાજ વચ્ચેનું સંતુલન આજના વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં અત્યંત પ્રાસંગિક છે. તેમણે BKS સાથે જોડાયેલા શિક્ષકો પાસેથી અપેક્ષા વ્યક્ત કરી હતી કે તેઓ આ પરંપરાને શૈક્ષણિક અનુશાસન સાથે-સાથે સામાજિક ચેતનાથી પણ જોડે.

કાર્યક્રમના મુખ્ય વક્તા વસંતભાઈ ગામિથે જનજાતીય સમાજ પર કેન્દ્રિત અત્યંત વિચારોત્તેજક વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે ડાંગ વિસ્તારની જનજાતિઓના વૈદિક પરંપરાગત ઔષધિય જ્ઞાન, જનજાતીય દવા-ઉપચારના વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણની આવશ્યકતા તેમજ જનજાતીય જીવનમાં ષોડશ સંસ્કારની કલ્પનાને વિસ્તૃત રીતે સમજાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે જનજાતીય સમાજમાં ઈશ્વરની કલ્પના મૂળરૂપે નિરાકાર છે અને સ્થાનિક દેવી-દેવતાઓ પ્રત્યે ઊંડી આસ્થા અને શ્રદ્ધા જોવા મળે છે. દેવતાઓ મંત્રોના આધીન હોય છે, એવો વિશ્વાસ જનજાતીય આધ્યાત્મિક ચેતનાનો આધાર છે. તેમણે કંસારિ માતા સહિત અન્ય સ્થાનિક દેવી-દેવતાઓની લોકઆસ્થા અને સામાજિક ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો.

આ અવસરે ડૉ. અર્પિત દવેએ ભારતીય જ્ઞાન પરંપરાના સેમેસ્ટર દ્વિતીય અને ચતુર્થ સાથે સંકળાયેલા પાઠ્યવિષયો પર સારગર્ભિત રીતે પ્રકાશ પાડ્યો હતો તથા તેમના અધ્યાપન અભિગમ અને વ્યવહારુ ઉપયોગિતાને સ્પષ્ટ કરી હતી.

કાર્યક્રમના અંતે હિંદુ અધ્યયન પ્રતિષ્ઠાનના સમન્વયક ડૉ. ભરત ઠાકુરે જણાવ્યું હતું કે અભિમુખતાનો અર્થ માત્ર ભૌતિક ઉન્નતિ નથી, પરંતુ સમાજ, સંસ્કૃતિ અને ચેતનાનો સમન્વિત વિકાસ છે. ભારતીય જ્ઞાન પરંપરામાં વિકાસને લોકમંગલ, સમરસતા અને સાતત્ય સાથે જોડવામાં આવ્યો છે, જ્યાં વ્યક્તિ, સમાજ અને પ્રકૃતિ – ત્રણેનું સંતુલન આવશ્યક માનવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી વિકાસની દિશા ભારતીય બૌદ્ધિક પરંપરા સાથે જોડાય નહીં, ત્યાં સુધી તે દીર્ઘકાળીન અને સર્વસ્પર્શી બની શકતી નથી. ભારતીય દૃષ્ટિએ વિકાસ એવો હોવો જોઈએ કે જેમાં સ્થાનિક જ્ઞાન, જનજાતીય અનુભવ, લોકપરંપરાઓ અને સાંસ્કૃતિક મૂલ્યોને સંરક્ષિત રાખીને આગળ વધવામાં આવે.

ડૉ. ઠાકુરે આ વાત પર ખાસ ભાર મૂક્યો હતો કે BKS અભિમુખતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેમાં આત્મબોધ, દાયિત્વબોધ અને સામાજિક સહભાગિતાનું નિર્માણ કરે છે. આવી અભિમુખતા ભારતને આત્મનિર્ભર, સાંસ્કૃતિક રીતે સશક્ત અને વૈશ્વિક સ્તરે માર્ગદર્શક રાષ્ટ્ર બનાવવાની ક્ષમતા ધરાવે છે. અંતમાં તેમણે તમામ મહેમાનો, વક્તાઓ અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share This Article