નવી દિલ્હીમાં લોકસભામાં કેન્દ્ર સરકારે આજે એકસાથે ત્રણ મહત્વના બિલ રજૂ કર્યા બાદ તોફાની માહોલ સર્જાયો હતો. ગૃહમંત્રીએ રજૂ કરેલા બિલ મુજબ જો વડાપ્રધાન કે કોઈપણ મંત્રી પાંચ વર્ષથી વધુ સજાના ગુનામાં સળંગ 30 દિવસ સુધી જેલમાં રહે તો તેમને પદ પરથી હટાવી દેવાની જોગવાઈ છે. આ પ્રાવધાનને લઈને વિપક્ષે જોરદાર વિરોધ નોંધાવતા લોકસભાની કાર્યવાહી બપોરે ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ બિલને “સત્તાના પૃથક્કરણનો ભંગ” ગણાવી આક્ષેપ કર્યો કે સરકાર કાર્યકારી એજન્સીઓને જજ, જ્યુરી અને જલ્લાદની ભૂમિકા સોંપી રહી છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ કટાક્ષ કર્યો કે આ બિલથી કોઈપણ મુખ્યમંત્રી કે મંત્રી વિરુદ્ધ ખોટો કેસ દાખલ કરી તેને 30 દિવસ સુધી જેલમાં રાખીને સત્તા છીનવી શકાય છે. તેમણે તેને “સંપૂર્ણપણે બંધારણ વિરોધી” ગણાવ્યું.
કેન્દ્ર સરકારે આજે રજૂ કરેલા ત્રણ બિલમાં બંધારણ (130મો સુધારો) બિલ, જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર (સુધારો) બિલનો સમાવેશ થાય છે. આ ત્રણેય બિલ નવા કાયદાકીય માળખાને આકાર આપશે અને રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની રહ્યા છે.