શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં સપ્તાહના પહેલા દિવસે જ ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ પાછલા બંધ 79212 સામે આજે 79343 ખુલ્યો હતો. રિલાયન્સ અને બેંક શેરમાં તેજીથી સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ ઉછળ્યો હતો. એનએસઇ નિફ્ટી 24039 પાછલા બંધ સામે આજે 24070 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 150 પોઇન્ટ ઉછળ્યો છે. બેંક નિફઅટી 500 પોઇન્ટ વધ્યો હતો જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 350 પોઇન્ટ ડાઉન હતો. સેન્સેક્સના ટોપ 5 ગેઇનરમાં રિલાયન્સ 3 ટકા, મહિન્દ્રા મહિન્દ્રા 2 ટકા, ICICI બેંક, બજાજ ફિનસર્વ અને કોટક બેંક 1 થી દોઢ ટકા વધ્યા છે.
ગત સપ્તાહે શેરબજારમાં ભારે અફરાતફરી મચ્યા બાદ હવે સુધારા તરફી માહોલ જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારોએ છેલ્લા આઠ ટ્રેડિંગ સેશનમાં વિદેશી રોકાણકારોએ કુલ રૂ. 32465 કરોડની ખરીદી નોંધાવી છે. વિદેશી શેરબજાર, યુએસ બોન્ડ અને ડોલરમાં કડકાના પગલે વિદેશી રોકાણકારો ફરી પાછા ભારતીય શેરબજાર તરફ ડાયવર્ટ થયા છે. વધુમાં સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળો તેમજ એશિયન બજારમાં સુધારાની અસર પણ થઈ છે.
આ ઉપરાંત આજે અમેરિકા-ચીન ટ્રેડ વોરનો તણાવ ઓછો થવાના સંકેતો વચ્ચે એશિયન બજારોમાં તેજી જોવા મળી હતી.જ્યારે ગયા અઠવાડિયે યુએસ શેરબજારમાં વધારો થયો હતો. આ અઠવાડિયે રોકાણકારો મુખ્ય શેરબજારની પ્રવૃત્તિઓ પર નજર રાખશે. જેમાં ચોથા ક્વાર્ટરના પરિણામો ભારત-પાકિસ્તાન ભૂ-રાજકીય તણાવ, માસિક વાહન વેચાણ ડેટા, વિદેશી ભંડોળનો પ્રવાહ અને અન્ય મુખ્ય વૈશ્વિક સંકેતોનો સમાવેશ થાય છે.