શ્રીલંકાની નૌસેનાએ ડેલ્ફ્ટ દ્વિપ નજીક ભારતીય માછીમારો પર ગોળીબાર કરતાં પાંચ ઘવાયા છે. જેમાં બે ગંભીરરૂપે ઈજાગ્રસ્ત છે. ભારતીય વિદેશ બાબતોના મંત્રાલયે શ્રીલંકાની નૌસેનાની આ કાર્યવાહીની આકરી નિંદા કરી છે. કોલંબોમાં પણ ભારતના હાઇકમિશને શ્રીલંકાના વિદેશ બાબતોના મંત્રાલય સાથે આ મુદ્દે ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે.

આજે મંગળવારે વહેલી સવારે ડેલ્ફટ દ્વિપ પર શ્રીલંકાની નૌસેનાએ 13 માછીમારોની ધરપકડ કરવાના હેતુ સાથે ગોળીબાર કર્યો હતો. જેમાં તમિલનાડુના બે માછીમારોને ગંભીર ઈજા થઈ હતી. તેઓ હાલ જાફના ટિચિંગ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે અન્ય ત્રણ માછીમારોને સામાન્ય ઈજા પહોંચી હતી. આ સિવાય અન્ય તમામ માછીમારોની શ્રીલંકન સેનાએ અટકાયત કરી હતી.
ભારતના વિદેશ મંત્રાલયે આ કાર્યવાહીની આકરી ટીકા કરતાં નવી દિલ્હી ખાતે શ્રીલંકાના એક્ટિંગ હાઇ કમિશ્નરને આ મામલે પૂછપરછ કરવા બોલાવ્યા હતા. વિદેશ મંત્રાલયે આ અંગે જણાવ્યું હતું કે, ‘અમે આ મામલે આકરી ટીકા કરીએ છીએ. આ બાબતો ચલાવી લેવામાં આવશે નહીં. અમે કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમજ જાફના હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત માછીમારોની ઇન્ડિયન કોન્સ્યુલેટે મુલાકાત લીધી હતી. તેમને જરૂરી સારવાર અને વળતર આપવાની પણ માગ કરી છે.’
આ પણ વાંચો :-