દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓનો શોષણ સામે વિરોધ

Share this story

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં જ કરાર આધારીત કર્મચારીઓએ પાછલા બે દાયકાથી થતાં આર્થિક શોષણ સામે આજે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. સામાન્ય રીતે આ કર્મચારીઓને ૧૧ મહિનાનાં કરાર આધારીત નોકરી આપવામાં આવે છે, જયારે આ વખતે માંડ ૨ મહિનાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતા કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.

કર્મચારીઓ સાથે ગેરવર્તન નહીં થાય, દરેક કર્મચારીઓને પુરતો ન્યાય મળવો જોઇએ જેવા પાઠ ભણાવતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જ કર્મચારીઓનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે.યુનિવર્સિટીમાં પાછલા બે દાયકાથી લગભગ ૩૦૦ થી ૪૦૦ જેટલા કર્મચારીઓને ૧૧ મહિનાનાં કરાર આધારીત નોકરી આપવામાં આવી રહી છે. જેમા કર્મચારીઓને ૧૫ થી ૨૦ હજાર સુધીનો માસિક પગાર ચુકવવામાં આવે છે. આજના મોંઘવારીના જમાનામાં આ પગાર સાવ નજીવો કહેવાય. વક્રતા તો એ છે કે કાયમી કર્મચારીઓ જેટલું જ કામ કરતા હોવા છતાં પગારમાં મોટી અસમાનતા છે. વળી દર વર્ષે મોંઘવારી કૂદકેને ભુસકે વધતી હોવા છતાં યુનિવર્સિટીના કારભારીઓને કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો પગાર વધારવાનું સૂઝતું નથી. એસી કેબિનમાં બેસી લાખોમાં પગાર લેતાં કારભારીઓની આંખ ઉઘડે એ માં કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ પગાર વધારવાની માંગ સાથે આજે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

જો કે આ વખતે તાજેતરમાં જ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં કરાર આધારીત કર્મચારીઓનો ૧૧ મહિનાનો કરાર નક્કી નહીં કરતા તેનાં સ્થાને માત્ર બે મહિનાનો કરાર નક્કી કરાયો છે. એક તરફ કુલપતિની ટર્મ પૂર્ણ થઇ ગઇ છે, અને ઇન્ચાર્જ તરીકેનો ચાર્જ કુલપતિ કે.એન.ચાવડાને સોંપવામાં આવ્યો છે. જેથી જો કુલપતિ બદલાઇ જાય તો કર્મચારીઓને બે મહિના પછી બીજો કોન્ટ્રા્કટ મળશે કે કેમ અને વર્ષોથી યુનિવર્સિટીમાં જ ફરજ બજાવતા હોય તો તેમને અન્ય નોકરી કઇ રીતે મળશે તેવા અનેક પ્રશ્નો સાથે કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ તમામ મુદ્દાઓ આગળ કરી કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ ઉગ્ર આંદોલન છેડવાના નિર્ધાર સાથે સૂત્રોચ્ચાર કરી ઇન્ચાર્જ કુલપતિ અને રજીસ્ટ્રારની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો. જો તેમના પ્રશ્નોના ઉકેલ ન આવે વધુ ઉગ્ર આંદોલન પણ થાય એવા સંકેત મળી રહ્યા છે‌.

આ પણ વાંચો :-