કોંગ્રેસના ચેરપર્સન અને સંસદીય દળના નેતા સોનિયા ગાંધીએ ઇરાન ઇઝરાયેલ યુદ્ધને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે અને ઇઝરાયેલ હુમલાની ટીકા કરી છે. સોનિયા ગાંધીએ ભારત સરકારના ચુપ રહેવા પર પણ સવાલ ઉઠાવ્યા છે. એક લેખમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, ઇઝરાયેલ ખુદ પરમાણુ શક્તિ છે પરંતુ ઇરાનને પરમાણુ હથિયાર ના હોવા પર પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. આ ઇઝરાયેલનું ડબલ માપદંડ છે.
ઈઝરાયલ અને ભારત વચ્ચેના સંબંધો પર સોનિયા ગાંધીએ લખ્યું કે, ‘છેલ્લા કેટલાક દાયકાઓથી ભારત અને ઈઝરાયલ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો પણ વધુ મજબૂત બની રહ્યા છે. યુદ્ધની પરિસ્થિતિમાં ભારત પાસે શાંતિ અને સંવાદનો સેતુ બનવાની રાજદ્વારી શક્તિ અને નૈતિક જવાબદારી છે. આ પશ્ચિમ એશિયાના દેશોમાં રહેતા અને કામ કરતા તમામ નાગરિકોની સલામતીનો મામલો છે. તેમની સુરક્ષાને ગંભીરતાથી લેતા, કેન્દ્ર સરકારે વિદેશી રાજદ્વારીમાં પોતાનું સ્થાન મજબૂત બનાવવું પડશે.’
સાતમી ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલા હુમલાની સોનિયા ગાંધીએ નિંદા કરી છે. તેમણે ઇઝરાયલ દ્વારા હમાસ પર કરવામાં આવેલા બદલાને ભયાનક અને અપ્રમાણસર ગણાવ્યો હતો. તેમણે લખ્યું કે, ‘આવા ભયાનક હુમલા સામે ભારત ચૂપ રહી શકે નહીં. 55,000થી વધુ પેલેસ્ટિનિયનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘરો અને હોસ્પિટલો ધરાશાયી થઈ છે. ગાઝા દુષ્કાળની આરે છે અને ત્યાંના લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.’
મોદી સરકાર પર નિશાન સાધ્યું
મોદી સરકાર પર નિશાન સાધતા સોનિયા ગાંધીએ લખ્યું, ‘મોદી સરકારે ભારતની સાંસ્કૃતિક અને પરંપરાગત નીતિ જેમાં બે-રાષ્ટ્રના સમાધાનની નીતિ છે. તેમણે આ નીતિની પ્રતિબદ્ધતાનો ત્યાગ કરી દીધો છે. જેમાં એક સ્વતંત્ર પેલેસ્ટાઇનની કલ્પના કરવામાં આવે છે, જે પરસ્પર સુરક્ષા અને આદર સાથે ઈઝરાયલ સાથે ખભે ખભો મિલાવીને રહી શકે.’