પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુદ્દે કેન્દ્રની ભાજપની આગેવાની હેઠળની નરેન્દ્ર મોદી સરકારને ઘેરી છે. સોનિયાએ આરોપ લગાવ્યો કે સરકાર રાજકીય ઉદ્દેશ્યોને પ્રાથમિકતા આપીને જરૂરી ચર્ચા કર્યા વિના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 લાદી રહી છે. એક અખબારમાં પ્રકાશિત થયેલા એક લેખમાં, સોનિયા ગાંધીએ આરોપ મૂક્યો હતો કે NEP 2020 એ સરકાર માટે કેન્દ્રીકરણ, વ્યાપારીકરણ અને સાંપ્રદાયિકતાના ‘3C’ના મુખ્ય એજન્ડાને આગળ ધપાવવાનું એક સાધન છે.
સોનિયા ગાંધીએ મોદી સરકાર પર ‘3C’ એજન્ડા – કેન્દ્રીકરણ, વ્યાપારીકરણ અને સાંપ્રદાયિકરણ દ્વારા શિક્ષણ પ્રણાલીને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 11 વર્ષથી સરકારનું કેન્દ્રીકરણનું વલણ શિક્ષણ ક્ષેત્રે સૌથી વધુ નુકસાનકારક સાબિત થયું છે. તેમના મતે, રાજ્ય સરકારોને નીતિગત નિર્ણયોમાંથી બાકાત રાખવામાં આવી રહી છે, જેનાથી સંઘીય શિક્ષણ માળખું નબળું પડી રહ્યું છે. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે NEP 2020 રાજ્યો સાથે પરામર્શ કર્યા વિના લાગુ કરવામાં આવી, જે લોકશાહી પ્રક્રિયાની અવગણના દર્શાવે છે.
સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર રાજ્ય સરકારોને મહત્વપૂર્ણ નીતિગત નિર્ણયોથી દૂર રાખીને શિક્ષણના સંઘીય માળખાને નબળું પાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા 11 વર્ષથી અનિયંત્રિત કેન્દ્રીકરણ આ સરકારના કામકાજની વિશેષતા છે, પરંતુ તેની સૌથી વધુ નુકસાન શિક્ષણ ક્ષેત્રે થઈ છે. સેન્ટ્રલ એજ્યુકેશન એડવાઇઝરી બોર્ડમાં કેન્દ્રીય અને રાજ્યના શિક્ષણ પ્રધાનોનો સમાવેશ થાય છે પરંતુ 2019 થી તેમની બેઠક થઈ નથી.
સોનિયા ગાંધીએ શિક્ષણના વધતા વ્યાપારીકરણ પર પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે, યુનિવર્સિટીઓને લોન પર નિર્ભર બનાવવામાં આવી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓની ફીમાં સતત વધારો થઈ રહ્યો છે. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું મુશ્કેલ બની રહ્યું છે. તેમણે સર્વ શિક્ષા નિધિ બહાર ન પાડવાનો મુદ્દો પણ ઉઠાવ્યો, જેનાથી શાળાઓની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.
તેમણે પાઠ્યપુસ્તકો અને અભ્યાસક્રમમાં થયેલા ફેરફારો પર પણ સવાલ ઉઠાવ્યા છે. સોનિયા ગાંધીનું કહેવું છે કે બંધારણની પ્રસ્તાવના દૂર કરવી અને મહાત્મા ગાંધીની હત્યા જેવા વિષયોને વિકૃત રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, પેપર લીક થવાની ઘટનાઓને સામાન્ય બની ગયેલી ગણાવી અને NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) તથા NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ)ની નિષ્ફળતા પર પણ પ્રહાર કર્યા છે.