સુરત SOG પોલીસ ટીમે ભારતીય ચલણની બનાવટી ચલણી નોટો સાથે એક રત્નકલાકારને ઝડપી પાડયો છે. પોલીસે તેની પાસેથી રૂપિયા 5 લાખની કિંમતની ડુપ્લિકેટ નોટો (Duplicate notes) જપ્ત કરી છે. પ્રાથમિક તપાસમાં છેલ્લા 1 વર્ષમાં આરોપી 25 લાખની બનાવટી ચલણી નોટો વટાવી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું હતું.
નકલી નોટો સાથે યુવક ઝડપાયો
મળતી માહિતી મુજબ સુરતમાં SOG પોલીસની ટીમે વરાછા રોડ સાધના ચેમ્બર્સ પાસેથી 27 વર્ષીય આરોપી પરેશભાઈ પુનાભાઈ ડડિયાને ઝડપી પાડયો હતો. આરોપી અમરેલી જિલ્લાનો વતની છે, અને સુરતમાં પુણાગામ વિસ્તારમાં રહી રત્ન કલાકાર તરીકે કામ કરે છે. પોલીસે આરોપી પાસેથી 5 લાખ રૂપિયા કિંમતની ભારતીય ચલણી બનાવટી નોટો (Counterfeit notes) જપ્ત કરી હતી.
પોલીસે આરોપી પાસેથી 5,03,500ની નકલી નોટો, એક મોટોરોલા કંપનીનો મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ હોન્ડા સાઈન મોટરસાયકલ (GJ05LU5480)નો સમાવેશ થાય છે. પોલીસ નકલી નોટોનો જથ્થો આરોપી કયાંથી લાવતો હતો અને તેની સાથે અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા એ દિશામાં તપાસ કરી રહી છે.
આશ્ચર્યની વાત એ છે કે, આરોપી છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયો હતો અને સામાન્ય રત્નકલાકાર તરીકે જીવન જીવતો હતો. પરંતુ વધુ પૈસા કમાવવાની લાલચે તેને ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલી દીધો હતો. છેલ્લા એક વર્ષથી તે સતત પોલીસની નજરથી બચીને આ પ્રવૃતિ કરી રહ્યો હતો, પરંતુ અંતે તે કાયદાના શિકંજામાં આવી ગયો છે.
DCP રાજદિપસિંહ નકુમે જણાવ્યું હતું કે, પોલીસ ટીમે નકલી નોટો બનાવવાનું રેકેટ ઝડપી પાડયું છે. આરોપી પરેશ હડિયાને વરાછા મીની બજાર વિસ્તારમાંથી 5 લાખની નકલી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી બીજા પાર્ટનર રાજુ વાઘમશી પાસેથી આ નોટો લાવતો હતો.
લ્યો! નકલી નોટોની પણ ઝેરોક્ષ કરી.
લ્યો! નકલી નોટોની પણ ઝેરોક્ષ કરી
આ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ વાળી નકલી નોટો છે, અને એક જ સીરીઝ નંબર વાળી છે. એટલે આરોપી નોટની ઝેરોક્ષ કરીને બજારમાં ભીડભાડ વાળી જગ્યા, પાનના ગલ્લા, શાકભાજીની લારી અને ખાણીપીણીની દુકાનો પર જ્યાં ભીડ હોય ત્યાં વટાવતો હતો. મોટાભાગે વરાછા, કાપોદ્રા, સરથાણા વિસ્તારમાં નોટો વટાવવાનું કામ કરતો હતો.