તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ ટનલ કેનાલ પ્રોજેક્ટ માટે નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડતાં આઠ કર્મચારીઓ 45 કલાકથી વધુ સમયથી અંદર ફસાયેલા છે. ભારતીય સેના, NDRF, SDRF અને અન્ય એજન્સીઓ સતત બચાવ કામગીરી કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી.
રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક વીડિયોમાં, રેસ્ક્યુ ટીમના કર્મચારીઓ કાદવ, લોખંડના સળિયા અને સિમેન્ટના ટુકડાઓમાંથી પસાર થતા જોવા મળે છે. અહેવાલ મુજબ ટનલનો ભાગ તૂટી પડ્યા પછી 13મા કિલોમીટર સુધી પહોંચવામાં સફળ રહેલી ટીમોએ ફસાયેલા લોકોના નામની બુમો પાડી, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. ટનલમાં ફસાયેલા આઠ લોકોમાં બે એન્જિનિયર, બે ઓપરેટર અને ચાર શ્રમિકોનો સમાવેશ થાય છે.
તેલંગાણાના પ્રધાન જે. કૃષ્ણા રાવે જણાવ્યું હતું કે ટનલમાં ઘણો કાટમાળ જમા થઈ ગયો છે, જેના કારણે અંદર જવું મુશ્કેલ બની ગયું છે. બચાવ ટીમ શ્રમિકોને બહાર નીકળવા માટે રબરની નળીઓ અને લાકડાના પાટિયાનો ઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે અમે હાલ કંઈ કહી શકતા નથી, અમને આશા છે, પરંતુ આ ખૂબ જ ગંભીર ઘટના છે.
તેલંગાણાના પ્રધાન ઉત્તમ કુમાર રેડ્ડીએ જણાવ્યું હતું કે શનિવારે સવારે લગભગ 70 લોકો ટનલમાં કામ કરી રહ્યા હતા. ઘટના પછી, મોટાભાગના લોકોને બહાર નીકળી ગયા, પરંતુ 8 લોકો હજુ પણ ગુમ છે. તેમણે કહ્યું કે ટનલનો છેલ્લો 200 મીટર પાણી અને કાદવથી ભરેલો હતો, જેના કારણે બચાવ ટીમને ત્યાં પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. હેવી મશીનરી અંદર લઈ જવી શક્ય નથી. તેથી, વૈકલ્પિક પદ્ધતિઓ દ્વારા કાટમાળ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.