ચાંદીના ભાવ 2 લાખ રૂપિયાની સપાટી વટાવા ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. વર્ષ 2025 ચાંદી માટે 125 ટકાથી પણ વધુ તેજી સાથે સિમાચિહ્ન રહ્યું છે. સોનાની તુલનામાં ચાંદીએ બમણું વળતર આપ્યું છે. વૈશ્વિક બુલિયન બજારમાં પણ સોના ચાંદીના રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા છે.
ચાંદીના ભાવ 2 લાખ પાર
ચાંદીના ભાવ ઇતિહાસમાં પહેલીવાર 2 લાખ રૂપિયાની સપાટી વટાવી ગયા છે. 17 ડિસેમ્બર, 2025ના રોજ એમસીએક્સ ચાંદી વાયદાનો ભાવો 2 લાખ રૂપિયાની સપાટી ક્રોસ કરી ગયા હતા. આજે 18 ડિસેમ્બર, 2025ના રોજ એમસીએક્સ સિલ્વર કોન્ટ્રાક્ટનો ભાવ 2.07 લાખ રૂપિયા ઉપર બોલાયો હતો. હાલ ચાંદી વાયદો 2.6 લાખ રૂપિયા બોલાઇ રહ્યો છે.
હાજર બુલિયન બજારની વાત કરીયે તો બુધવારે અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદીના ભાવ 3000 રૂપિયા વધ્યા હતા અને 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 1,93,000 રૂપિયા થઇ છે. તો ચાંદી રૂપુની કિંમત 1,92,800 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ હતી.
ચાંદીમાં તેજી વચ્ચે સોનાના ભાવ પણ વધ્યા છે. બુધવારે અમદાવાદમાં 99.9 શુદ્ધ 24 કેરેટ સોનાનો ભાવ 800 રૂપિયા વધીને 1,36,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ઉંચાઇએ પહોંચ્યા છે. 99.5 શુદ્ધ 23 કેરેટ સોનાનો ભાવ 800 રૂપિયા વધીને 1,36,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ દીઠ થયો છે. વાયદા બજારમાં એમસીએક્સ ગોલ્ડ ફ્યૂચર 1,34,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેડ કરી રહ્યો છે.
વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ 65 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની ટોચે પહોંચ્યા છે, જે વર્ષ 2025ની શરૂઆતમાં 28 ડોલર બોલાતા હતા. આમ વર્ષ 2025માં ચાંદીના ભાવ 135 ટકા જેટલા ઉછળ્યા છે. તો ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવ 65 ટકા વધ્યા છે.