- સિંગર કેકે ડેથ અપડેટ : બોલિવૂડના ફેમસ સિંગર કેકેના ડેથ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે અને અહેવાલ છે કે કેકેના માથા અને ચહેરા પર ઈજાના નિશાન મળ્યાં છે. આ પછી કોલકાતા પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે.
બોલિવૂડના પ્રખ્યાત ગાયક કેકેનું મંગળવારે મોડી રાત્રે કોલકાતામાં (Kolkata) એક સ્ટેજ શો દરમિયાન હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ થયું હતું. હવે એવા અહેવાલ છે કે કેકેના માથા પર ઈજાના નિશાન મળી આવ્યા છે. ત્યારબાદ કોલકાતા પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કેકેકેના માથા અને ચહેરા પર ઈજાના નિશાન મળ્યાં. જોકે, મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ સામે આવશે.
માથા અને મોં પાસે ઈજાનાં નિશાનો મળ્યાં :
સૂત્રોનું કહેવું છે કે કેકેને બે ઈજાઓ થઈ છે. એક ઈજા તેના કપાળ પર અને બીજી તેના મોઢાની આસપાસ છે. ઇજાઓ વિશે વધુ વિગતો પોસ્ટમોર્ટમ પછી ઉપલબ્ધ થશે. આ સાથે તબીબોનું કહેવું છે કે મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ બહાર આવશે.
કોલકાતા પોલીસે કેસ નોંધ્યો છે :
ગાયક કેકેના મૃત્યુ બાદ કોલકાતાના ન્યુ માર્કેટ પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું ઓડિટોરિયમમાં લોકોની સંખ્યા મર્યાદા ઓળંગી ગઈ હતી. એસી કામ કરતું હતું કે નહીં. આ ઉપરાંત, પોલીસ આવી પરિસ્થિતિની પણ તપાસ કરી રહી છે, જેના કારણે પ્રદર્શન દરમિયાન કેકે બીમાર પડ્યા હતા.
બપોરે 12 વાગ્યે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવશે :
સિંગર કેકેના પાર્થિવ દેહને ખાનગી હોસ્પિટલમાંથી બપોરે 12 વાગ્યે SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવશે જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ કે.કે.ના માથા અને મોં પર થયેલી ઈજાઓ વિશે વધુ માહિતી મળી શકશે.
કેકેનો પરિવાર મુંબઈથી કોલકાતા પહોંચે છે
ગાયક કેકેના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રો છે. કેકેના મૃત્યુ બાદ તેનો પરિવાર મુંબઈથી કોલકાતા પહોંચી રહ્યો છે. તેમની પત્ની અને પુત્ર સવારે 9 વાગ્યાની આસપાસ કોલકાતા પહોંચે તેવી અપેક્ષા છે.
‘તડપ તડપ કે ઇસ દિલ સે..’ પરથી ઓળખાય મેળવી હતી :
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 23 ઓગસ્ટ 1968ના રોજ જન્મેલા કેકેએ ફિલ્મ માચીસ (છોડ આયે હમ વો ગલિયાં) દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જોકે, તેને બોલિવૂડમાં વાસ્તવિક ઓળખ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના ગીત ‘તડપ તડપ કે ઇસ દિલ સે’થી મળી હતી. કેકેએ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી અને ગુજરાતી ફિલ્મોમાં પણ ગીતો ગાયા છે.