સુરત જિલ્લા આરોગ્ય અધિકારી અને ડિસ્ટ્રીક એપ્રોપ્રિએટ ઓથોરિટી(પી.એન.ડી.ટી) ડો.અનિલ બી.પટેલને સમાચારપત્ર દ્વારા ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ થતું હોવાના અહેવાલો મળતા તેઓએ તા.૫/૧૧/૨૦૨૫ના રોજ સાંજે ૫.૩૦ વાગે સુરતના વરાછા વિસ્તારની શિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, એલ.એચ.રોડ, લાભેશ્વર ચોકડી પાસે પોતાની ટીમ દ્વારા તપાસ કરી હતી.
આ હોસ્પિટલમાં રામગોપાલ ખંડેલવાલ અને ડો.મિલન સોંડાગર બેસેલા હતા. તેમજ સિસ્ટર કલ્પના લેબર રૂમની અંદર એક મહિલા દર્દીની ગર્ભપાતની પ્રોસેસ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જયારે અન્ય ચાર દર્દીઓ દાખલ હતા. આમ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ અને ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટ-૨૦૨૧ અને એમ.ટી.પી. એકટના નિયમોનો ભંગ થતો હોવાનું તથા શંકાસ્પદ કામગીરી હોસ્પિટલમાં થતી હોવાનું જણાતા તેમજ મળેલા સમાચાર બાબતે રામગોપાલને પૂછપરછ કરતા જણાવેલ કે ફોટોવાળા મિતેશભાઈ છે અને ઓળખતા હોવાનું જણાવ્યું. હોસ્પિટલમાંથી મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગન્સીની દવાઓ પર મળી આવી હતી.
આમ,પ્રાથમિક તપાસમાં ફરિયાદ સાચી નીકળતા હોસ્પિટલને PC&PNDT એકટ, ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ અને એમ.ટી.પી. એકટના નિયમોનો ભંગ બદલ સીલ કરવામાં આવી હતી.
જયારે રામગોપાલ ખંડેલવાલ, ડો.મિલન સોંડાગર, મિતેશ ધોરાજીયા અને સિસ્ટર કલ્પના પવાર સામે વરાછા પોલીસ સ્ટેશનમાં નિયમોના ભંગ બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું સુરત જિ.પં.ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ડિસ્ટ્રીકટ એપ્રોપ્રિએટ ઓથોરિટી(પીએનડીટી)ની યાદીમાં જણાવાયું છે.