સુપ્રીમની રાહતથી શિવસેનાના બળવાખોરો ગેલમાં, હવે ફ્લોર ટેસ્ટની માગણીનો તખ્તો

Share this story

Shiv Sena rebels in Gail

  • ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માગતી ઉદ્ધવ સરકારના હાથ સુપ્રીમમા હેઠા પડયા, ફ્લોર ટેસ્ટ માટે સ્ટે પણ ના મળ્યો .

મુંબઈ

શિવસેનાના (Shiv Sena) બળવાખોર ધારાસભ્યોને (Rebel legislators) આજે એક મોટી કાનૂની રાહત  રુપે તેમને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સરકારની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) બ્રેક લગાવી દીધી છે. ડેપ્યુટી સ્પીકર (Deputy Speaker) દ્વારા બળવાખોરોને તેમને ધારાસભ્યપદેથી ગેરલાયક કેમ ના ઠેરવવા તેની નોટિસનો જવાબ આપવાની મુદ્દત આજે સાંજે પૂર્ણ થતી હતી તે હવે સુપ્રીમ કોર્ટે ૧૧ જુલાઈ સુધી લંબાવી આપી છે.

સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ યોજવા પર પણ સ્ટે આપવાની માગણી કરતાં બળવાખોરોનું હવેનું પગલું રાજ્યપાલને ઉદ્ધવ સરકાર લઘુમતીમાં આવી ગઈ છે તેની રજૂઆત કરી ફ્લોર ટેસ્ટની માગણી કરવાનું રહેશે. ભાજપ પણ પોતાની સાથે ૧૭૦ ધારાસભ્યોના ટેકો હોવાના દાવા સાથે ફ્લોર ટેસ્ટની માગણી કરી શકે છે. બીજી તરફ શિવસેનાએ બળવાખોરો પર આક્રમણના ભાગરુપે બળવાખોર મંત્રીઓના ખાતાં આંચકી લીધાં છે. દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતને સમન્સ પાઠવવામાં આવ્યા છે પરંતુ રાઉતે હાજર થવાનો ઈનકાર કરી દીધો છે.

બળવાખોરો પક્ષની મીટિંગમા નહીં આવ્યા હોવાથી તેમને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવે તેવી માગણી શિવસેનાના નવા દંડક તરફથી ડેપ્યુટી સ્પીકરને કરવામાં આવી હતી. તેના સંદર્ભમાં ડેપ્યુટી સ્પીકરે બંડખોર ધારાસભ્યોને નોટિસ ફટકારી સોમવાર સાંજ સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું.

જોકે,ડેપ્યુટી સ્પીકરને તેમની કાર્યવાહીમાં આગળ વધતા અટકાવવા શિંદે જૂથે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. બળવાખોરોને બહુ મોટી રાહત રુપે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની બેન્ચે ડેપ્યુટી સ્પીકરની ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહીને તા. ૧૧ જુલાઈ સુધી સ્થગિત કરી દીધી હતી. રાજ્ય સરકારે ફ્લોર ટેસ્ટ પર સ્ટેની માગણી કરી હતી પરંતુ તે પણ ફગાવી દેતાં કોર્ટે કહ્યું હતું કે આવી કોઈ કાર્યવાહીમાં કશું ગેરકાયદેસર થયું છે તેમ જણાય તો ત્યારે કોર્ટનો સંપર્ક સાધી શકાય છે.  સાથે સાથે સુપ્રીમ કોર્ટે બંડખોર ધારાસભ્યોના જીવન, મુક્તિ અને મિલ્કતોના સંરક્ષણનો પણ આદેશ આપ્યો હતો.

સુપ્રીમના આ ચુકાદાથી બળવાખોરો ગેલમાં આવી ગયા હતા. બળવાખોરોના નેતા એકનાથ શિંદેએ આ નિર્ણયથી બાળા સાહેબ ઠાકરેના વિચારોની જીત થઈ હોવાનું જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર હવે હાલ ધારાસભ્ય પદ બચી ગયું હોવાથી હવે પછીનાં પગલાં તરીકે બળવાખોરો રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને રાજ્ય સરકાર લઘુમતીમાં આવી ગઈ હોવાની જાણ કરશે. ધારાસભ્યોએ ગુવાહાટીની હોટલમાં એક ઠરાવ કરી મહા વિકાસ આઘાડી સરકારને ટેકો પાછો ખેંચવાનું ઔપચારિક એલાન કર્યું હતું. આ ઠરાવની રાજ્યપાલને જાણ કરવાની સાથે ફ્લોર ટેસ્ટની માગણી કરાશે. બીજી તરફ, ભાજપ પણ ઉદ્ધવ સરકાર લઘુમતીમાં છે અને પોતાને શિવસેનાના બળવાખોરો સહિત ૧૭૦ ધારાસભ્યોનો ટેકો છે તેમ જણાવી ફ્લોર ટેસ્ટની માગણી કરશે. સુપ્રીમે ફ્લોર ટેસ્ટ પર સ્ટે આપ્યો નથી અને આવા સ્ટે માટે હુકમ કરાવનું રાજ્યપાલની સત્તા હેઠળ હોવાથી રાજ્યપાલ વહેલી તકે તે દિશામાં નિર્ણય લઈ શકે છે.

સુપ્રીમના ચુકાદાને પગલે ભાજપ દ્વારા માજી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે કોર કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. જોકે, આ બેઠક બાદ  ભાજપના નેતા સુધીર મુનગંટીવારે દાવો કર્યો હતો કે ભાજપ હજુ વેઈટ એન્ડ વોચની ભૂમિકામાં જ છે અને શિંદે તરફથી સમર્થન અંગે કોઈ પત્ર ભાજપને મળ્યો નથી.

આ વૈધાનિક લડાઈ વચ્ચે ઉદ્ધવ સરકારે બળવાખોર મંત્રીઓના ખાતાં આંચકી લીધાં હતાં અને તે બાકીના પ્રધાનો વચ્ચે વહેંચી દીધા હતાં. ઉદ્ધવ સરકારમાં હવે શિવસેના વતી ઉદ્ધવ પોતે, તેમના પુત્ર આદિત્ય ઠાકરે, અનિલ પરબ અને વયોવૃદ્ધ નેતા સુભાષ દેસાઈ એમ ચાર જ પ્રધાનો રહ્યા છે. તેમાંથી માત્ર આદિત્ય જ વિધાનસભ્ય છે જ્યારે બાકીના ત્રણેય વિધાન પરિષદના સભ્ય છે.

અન્ય એક ઘટનાક્રમ રુપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પત્રાચાલ કૌભાંડ બાબતે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતને સમન્સ મોકલાયા હતા. જોકે, રાઉતે આ બધું રાજકીય કાવતરું છે અને પોતે અલીબાગમાં એક કાર્યક્રમમાં જવાના હોવાથી હાજર નહી રહે એમ સાફ સાફ જણાવી દીધું હતું.

રાજ્યમાં ઝડપભેર સર્જાઈ રહેલી રાજકીય ઘટનાઓ વચ્ચે શિવસેનાના કાર્યકરો અને બળવાખોર સમર્થકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ વધી રહ્યા છે. કોલ્હાપુરમાં બળવાખોર મંત્રી પાટિલ યાદ્રવરકર અને શિવસેનાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાતાં પોલીસે તેમને છૂટા પાડવા લાઠીચાર્જ કરવો પડયો હતો. થાણે સહિતના વિસ્તારોમાં પણ બળવાખોરોના સમર્થકો દ્વારા શક્તિ પ્રદર્શન કરાયું હતું.

આ પણ વાંચો –