સુરત શહેરમાં રોકાણકારોને ચકમો આપનાર શાહ દંપતીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સિંગણપોર-કોઝ વે રોડ ઉપર “શાહ ઈન્વેસ્ટમેન્ટ” નામે ઓફિસ ચલાવતી પૂજા હાર્દિક શાહ અને હાર્દિક અશોક શાહે ફિલ્મ સ્ટાર્સ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનાં વીડિયોનો ઉપયોગ કરી લોકોને 100 દિવસમાં 12થી 15% વળતરનો લાલચ આપ્યો હતો. આ લાલચમાં આવી અનેક રોકાણકારોએ કરોડો રૂપિયા લગાવ્યા પરંતુ માત્ર થોડા જ પૈસા પરત મળતાં છેતરાઈ ગયા.
ચોક બજાર પોલીસ તથા CID ક્રાઈમમાં અત્યારસુધીમાં અલગ-અલગ છ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. જેમાં સુરતના હરેશ ડુંગરાણીએ 11 લાખ, ભાવનગરના પાર્થ પંડ્યાએ 58 લાખ અને અશ્વિન રાણાભાઈએ 75 લાખ ગુમાવ્યા હોવાની વિગતો સામે આવી છે. આમ અત્યાર સુધીમાં 1.63 કરોડ રૂપિયાનો છેતરપિંડીનો કેસ નોંધાઈ ગયો છે.
શાહ દંપતીએ રોકાણકારોને લોભામણી ઓફર આપી લાખોની ઠગાઈ કરી હતી. તેમના બે લક્ઝુરિયસ ઓફિસોમાં 50થી વધુ સ્ટાફ કામ કરતો હતો અને મોટા સ્ક્રીન પર શેરબજારનું ટ્રેડિંગ બતાવી લોકોને વિશ્વાસમાં લેવાતા હતા. એટલું જ નહીં, શાહ ઈન્વેસ્ટમેન્ટને અનેક એવોર્ડ પણ મળ્યા હતા અને એક ઇવેન્ટમાં તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમને એવોર્ડ આપ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. હાલ આ દંપતી જેલમાં છે અને CID ક્રાઈમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે