આજે સંસદના ચોમાસુ સત્રનો 16મો દિવસ છે. વોટ ચોરી મામલે રાહુલ- પ્રિયંકા સહીત વિપક્ષના 300 સાંસદોએ મકર દ્વારથી ચૂંટણી પંચ કાર્યાલય જવા માટે કૂચ કરી હતી . વિપક્ષી સાંસદો હાથમાં ‘વોટ બચાવો’ના બેનરો લઈને ચાલી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે વિપક્ષની કૂચ અટકાવી હતી. દિલ્હી પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિત ઘણા વિપક્ષી સાંસદોની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસ તેમને સંસદ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. વોટ ચોરી મુદ્દે વિપક્ષ રસ્તા પર ઉતર્યું.
દિલ્હીના સંયુક્ત પોલીસ કમિશનર દીપક પુરોહિતે કહ્યું, “અટકાયત કરાયેલા ઈન્ડિયા બ્લોક નેતાઓને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. અમે હજુ પણ અટકાયત કરાયેલા સાંસદોની સંખ્યા ગણી રહ્યા છીએ. અહીં વિરોધ પ્રદર્શન માટે કોઈ મંજુરી લીધી નહોતી, પરંતુ અમને જાણ કરવામાં આવી હતી. જો તેઓ નિર્ણય લેશે, તો અમે તેમને ચૂંટણી પંચની ઓફિસ સુધી લઈ જઈશું. ચૂંટણી પંચ પાસે યોગ્ય પોલીસ વ્યવસ્થા છે.
પ્રિયંકા સહીત વિપક્ષના મહિલા નેતાઓની અટકાયત, મોદી સરકાર સામે સુત્રોચ્ચાર
વિપક્ષની આ કૂચ સંસદના મકર દ્વારથી શરૂ થઈ હતી. સાંસદોએ હાથમાં ‘વોટ બચાવો’ના બેનરો હતા. જોકે દિલ્હી પોલીસે કહ્યું હતું કે ઇન્ડિયા બ્લોકે કૂચ માટે કોઈ મંજુરી માંગી નથી, તેથી, કૂચ ચૂંટણી પંચની ઓફિસ સુધી પહોંચે તે પહેલાં જ પરિવહન ભવન પાસે બેરિકેડ લગાવીને તેને અટકાવવામાં આવી હતી. પ્રિયંકા સહીત વિપક્ષના ઘણા મહિલા નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. મહિલા નેતાઓએ મોદી સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા.
અખિલેશે બેરિકેડ્સ કૂદીને આગળ વધવાનો પ્રયાસ કર્યો. જ્યારે સાંસદોને આગળ જવા દેવામાં આવ્યા નહીં, ત્યારે તેઓ જમીન પર બેસી ગયા. પ્રિયંકા, ડિમ્પલ સહિત ઘણા સાંસદો ‘વોટ ચોર ગદ્દી છોડ’ના નારા લગાવ્યા હતા. પોલીસે રાહુલ, પ્રિયંકા સહીત વિપક્ષના અનેક નેતાઓની અટકાયત કરી હતી.
‘વોટ ચોરી’નો આરોપ અને વેબ પોર્ટલ
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ‘વોટ ચોરી’માં ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવતા એક વેબ પોર્ટલ (votechori.in/ecdemand) શરૂ કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, “મત ચોરી લોકશાહીની વિરુદ્ધ છે. એક વ્યક્તિ, એક મતના સિદ્ધાંત પર હુમલો થઈ રહ્યો છે. મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી માટે સ્વચ્છ મતદાતા યાદી જરૂરી છે.”રાહુલે બે માંગણીઓ કરી છે – ડિજિટલ મતદાર યાદી જાહેર કરવી જોઈએ અને પારદર્શિતા લાવવી જોઈએ જેથી જનતા અને રાજકીય પક્ષો ડેટાનું ઓડિટ કરી શકે. તેમણે લોકોને પોર્ટલ પર નોંધણી કરાવવા અને તેમને ટેકો આપવા અપીલ કરી અને કહ્યું કે આ લોકશાહી બચાવવાની લડાઈ છે.
બિહારમાં ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું
બિહારમાં વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, આવી સ્થિતિમાં વિપક્ષી એકતાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કોંગ્રેસ અને આરજેડીએ બિહારમાં લાગુ કરાયેલી એસઆઈઆર પ્રક્રિયાનો વિરોધ કર્યો છે. તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો છે કે મતદાર યાદીમાં મોટા પાયે છેડછાડ થઈ રહી છે અને તેમનું નામ પણ દૂર કરવામાં આવ્યું છે. આરજેડીએ પારદર્શિતા અને ન્યાયીપણાની માંગણી કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોંગ્રેસ પ્રમુખ ખડગે અને અન્ય નેતાઓએ તેને લોકશાહી પર હુમલો ગણાવ્યો હતો.
કોંગ્રેસના સાંસદ શશી થરૂર પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા છે. તેમણે કહ્યું, “જ્યાં સુધી લોકોમાં નમાં ચૂંટણીની નિષ્પક્ષતાને લઈને શંકા છે, ત્યાં સુધી આ ચૂંટણી પંચની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડી રહી છે. જો આ શંકાઓ દૂર થઈ જાય છે તો ચૂંટણી પંચની વિશ્વસનીયતા પાછી પ્રાપ્ત કરી શકાય છે. આ સવાલોનો ઉકેલ લાવવામાં જ ચૂંટણી પંચનો પોતાનો હિત છે.”