Sunday, Dec 7, 2025

સુરત સ્મીમેર હોસ્પિટલમાં સર્વર ઠપ, સારવાર માટે દર્દીઓ કલાકો સુધી રઝળ્યા!

2 Min Read

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલનો ‘રેઢીયાર વહીવટ’ ફરી એકવાર લોકો સામે ખુલ્લો પડી ગયો છે. બુધવારની સવારથી જ હોસ્પિટલનું સર્વર અચાનક બંધ પડી જતા દૂર–દરાજથી સારવાર માટે આવેલા હજારો દર્દીઓ અને તેમના સગાંઓને ભારે પરેશાની ભોગવવી પડી. બે કલાકથી વધુ સમય સુધી લાંબી કતારમાં ઊભા રહેવાં છતાં ટોકન ન મળતાં દર્દીઓમાં જોરદાર રોષ ફાટી નીકળ્યો અને સમગ્ર હોસ્પિટલ કચેરીમાં અફરાતફરી મચી ગઈ.

દક્ષિણ ગુજરાત માટે આશીર્વાદરૂપ ગણાતી સ્મીમેર હોસ્પિટલમાં OPD ટોકન પ્રક્રિયા સંપૂર્ણ પણે ઠપ્પ થઈ ગઈ હતી. સર્વર ડાઉન થતા બાળકો, વૃદ્ધો અને ગંભીર બીમારીઓથી પીડાતા અનેક લોકો સારવાર માટે અટકી પડ્યા હતા. લોકો બે કલાકથી વધુ સમય સુધી ધુપમાં ઉભા રહ્યા, છતાં સિસ્ટમ શરૂ ન થતા હોસ્પિટલ પ્રશાસન સામે ગુસ્સો છલકાયો.

સ્થાનિક રહેવાસીઓ અને દર્દીઓના સગાંઓએ વહીવટને રેઢીયાર ગણાવીને ઉગ્ર રજૂઆતો કરી. એક દર્દીના સગાએ ગુસ્સે ભરાયેલા સ્વરે કહ્યું, “અમે સવારથી લાઈનમાં ઊભા છીએ, બે કલાક થઈ ગયા પરંતુ સર્વર ચાલુ નથી. દર્દીઓ પીડાઈ રહ્યા છે, ત્યારે જવાબદારી કોણ લેશે?”

પરિસ્થિતિ બગડતાં વહીવટી અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા અને ટેકનિકલ ટીમને બોલાવી સર્વર શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરી. પરંતુ અવારનવાર આવતી સર્વર સમસ્યાઓને લઈને મનપાના હોસ્પિટલ વહીવટ પર ગંભીર સવાલો ઊભા થયા છે. એક બાજુ સ્માર્ટ સિટીની વાતો થાય છે, ત્યારે બીજી બાજુ તેના જ હોસ્પિટલમાં ટેકનિકલ તંત્ર જર્જરિત છે.

Share This Article