ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થયા પછી સપ્તાહના પ્રારંભે શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. જેથી સેન્સેક્સ 2300 પોઇન્ટ ઊછળી 81,248.20ના સ્તરે પહોંચી ગયો હતો ,જ્યારે નિફ્ટી પણ 753 પોઇન્ટની વૃદ્ધિ સાથે 24,743ના મથાળે પહોંચ્યો હતો. બંને સૂચકાંકોમાં તેજી યથાવતે રહી છે, સેન્સેક્સમાં કુલ 2300 અને નિફ્ટી 50માં 700 અંકની તેજી નોંધાઈ છે. તેની પહેલાં GIFT નિફ્ટી પણ લગભગ 500 અંક વધીને 24,575ના સ્તર આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. માર્કેટ કેપમાં 12.6 લાખ કરોડનો વધારો થયો હતો.
સેન્સેક્સ અને નિફ્ટીમાં સોમવારે જબરદસ્ત તેજી જોવા મળી છે. સેન્સેક્સ પાછલા બંધ 79454 સામે 1350 પોઇન્ટના ઉછાળે આજે 80803 ખુલ્યો હતો. બેન્કિંગ અને આઈટી શેરમાં તેજીથી સેન્સેક્સ 2200 પોઇન્ટ ઉછળી 81830ની ટોચ સુધી પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24008 સામે 400 પોઇન્ટથી વધુના ઉછાળે સોમવારે 24420 ખુલ્યો હતો. સાર્વત્રિક તેજીના માહોલમાં 700 પોઇન્ટ ઉછળી નિફ્ટી 24737ની ટોચ સુધી પહોંચ્યો હતો.
સેન્સેક્સના ટોપ ગેઇનરમાં અદાણી પોર્ટ્સ 4.3 ટકા, બજાજ ફાઈનાન્સ 3.7 ટકા, એક્સિસ બેંક 3.6 ટકા, ઇન્ફોસિસ 3.5 ટકા અને બજાજ ફિનસર્વ 3.5 ટકા વધ્યા હતા. એક માત્ર સન ફાર્માનો શેર 4.3 ટકા ડાઉન હતો. શેરબજારની તેજીમાં બેન્ક અને આઈટી શેરનો મોટો ફાળો હતો. બેંક નિફ્ટી 1500 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 1300 પોઇન્ટ કરતા વધુ વધ્યા હતા.
સેન્સેક્સ નિફ્ટીમાં મોટા ઉછાળાથી શેરબજારના રોકાણકારોને જંગી કમાણી થઇ છે. 12 મે, 2025 સોમવારે શેરબજાર ખુલતાની સાથે બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂએશન 428.80 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે અગાઉ 9 મેના રોજ બીએસઇની માર્કેટકેપ 416.40 લાખ કરોડ રૂપિયા હતી. આમ સોમવારે શેરબજારના ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં રોકાણકારોની સંપત્તિમાં 12 લાખ કરોડ રૂપિયાથી વધુ ઉમેરો થયો છે.