શેરબજારમાં સતત પાંચમાં દિવસે મંદી યથાવત રહેતા સેન્સેક્સ નિફ્ટીમાં સપ્તાહના પહેલા જ દિવસે મોટો કડાકો બોલાયો છે. સેન્સેક્સ 750 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 75000નું સપોર્ટ લેવલ તોડી 74500 સુધી તૂટ્યો હતો, જે 9 મહિનાની સૌથી નીચી સપાટી છે અને શેરબજારમાં મંદી આગળ ધપવાના સંકેત આપે છે.
એનએસઇ નિફ્ટી પણ 190 પોઇન્ટના ઘટાડે ખુલ્યો હતો. ઓટો શેરને બાદ કરતા તમામ બ્લુચીપ સ્ટોક અડધાથી 3 ટકા સુધી ડાઉન હતા. ખુલતાની સાથે જ સેન્સેક્સમાં કડાકો બોલાતા શેરબજારના રોકાણકારોને 3.5 લાખ કરોડથી વધુ નુકસાન થયું છે.
ટ્રમ્પ ટેરિફ અને વૈશ્વિક બજારની સ્થિતિ ઉપરાંત, રોકાણકારો હાલમાં કેટલાક મહત્વપૂર્ણ આર્થિક ડેટા પર નજર રાખી રહ્યા છે, જે બજારની સ્થિતિ અને દિશા નક્કી કરી શકે છે. બે દિવસ પછી, એટલે કે 26 ફેબ્રુઆરીએ, યુએસ હોમ સેલ્સના ડેટા જાહેર કરવામાં આવશે, જ્યારે યુએસ જીડીપી વૃદ્ધિનો બીજો અંદાજ 27 ફેબ્રુઆરીએ આવશે. આ પછી, 28 ફેબ્રુઆરીએ, ભારત સરકાર ચાલુ નાણાકીય વર્ષ (2024-25) ના ત્રીજા ક્વાર્ટર માટે GDP ડેટા અને આગામી નાણાકીય વર્ષ માટે GDPનો બીજો એડવાન્સ અંદાજ જાહેર કરશે. રોકાણકારો આ આંકડાઓ પર નજર રાખશે.
શેરબજારમાં સતત ઘટાડાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. આજે સેન્સેક્સ સવારના સેશનમાં જ 750 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો. પરિણામ બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટવેલ્યૂએશન ઘટીને 398.35 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે પાછલા સપ્તાહે શુક્રવારે શેરબજાર બંધ થતા બીએસઇની માર્કેટકેપ 420.20 લાખ કરોડ રૂપિયા હતા. આમ આજે સવારમાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 3.5 લાખ કરોડથી વધુ ધોવાણ થયું છે.