ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. 6 માર્ચની મોડીરાત્રે 8 સિનિયર મેડિકલ વિદ્યાર્થીએ 3 જુનિયર વિદ્યાર્થીનું અપહરણ કરી રેગિંગ કર્યું હતું.આ બાબતે હાલ એન્ટી રેટિંગ કમિટીની બેઠક શરૂ થઈ છે. જેમાં આ બેઠકમાં મેડિકલ કોલેજના ડીન, ડીવાયએસપી, મામલતદાર, એનજીઓના સભ્ય, તથા પ્રાધ્યાપક વિભાગના વડાઓ સાથે ઘટનાની ચર્ચા ચાલી રહી છે. બેઠક પૂર્ણ થયા બાદ કોઈ નિર્ણય લેવાશે.
આરોપી સિનિયર વિદ્યાર્થીઓએ ત્રણેય જુનિયર વિદ્યાર્થીઓને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેમની પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આરોપીઓએ પીડિત વિદ્યાર્થીઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. પીડિત જુનિયર ડોક્ટરોએ સિનિયર્સ ડોક્ટર બલભદ્રસિંહ ગોહિલ, ડો. મિલન કાક્લોતર, ડો. નરેશ ચૌધરી, ડો મન પટેલ, ડો. પીયૂષ ચૌહાણ અને બે અજાણ્યા ઈસમો જેડી અને કાનો દ્વારા રેગિંગ કરી ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
ઉપરાંત કેફી દ્રવ્યો બનાવતા તથા તેનું પરાણે સેવન કરવાનું કહી માર માર્યા બાદ રાત્રિના 3 કલાકે હોસ્ટેલે લાવી તેના અન્ય સાથી ઈન્ટર્ન ડોક્ટરને પણ માર મારી ઈજાઓ પહોંચાડી હતી. ઘટના બાદ ત્રણેય ઈન્ટર્ન ડોક્ટરે આ બાબતની જાણ કોલેજને તંત્રને કરતા મેડિકલ કોલેજ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ત્રણેય ઈન્ટર્ન ડોક્ટરની ફરિયાદ લઈને તેમને સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ આ મામલે એમએલસી નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ તરફ મેડિકલ કોલેજના વિદ્યાર્થી સાથે મારામારીના બનાવને સમર્થન આપતા મેડિકલ કોલેજના ડીન સુશીલ ઝાએ જણાવ્યું હતું કે, મારામારીનો બનાવ બન્યાની ફરિયાદ આવી છે. આવતીકાલ શનિવારે રેગિંગ કમિટિની બેઠક મળશે અને તેમાં થનારા નિર્ણય અંગે આગળની થતી કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે, મેડિકલ કોલેજના કોન્વોકેશનના આયોજનને લઈને વિદ્યાર્થીઓના જૂથ પડી ગયા હતા અને તેના કારણે આ બનાવ બન્યો હતો, જોકે મારામારીનું સાચું કારણ પોલીસ ફરિયાદ બાદ જ જાણવા મળી શકશે. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.