સુરત જિલ્લા પંચાયત દ્વારા પોષણ સહિતના ગ્રામવિકાસના વિવિધ વિષયો પર બારડોલી તાલુકાના ઈસરોલી (તાજપોર કોલેજ) ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલના અધ્યક્ષસ્થાને સરપંચ શિબિર યોજાઈ હતી. આ વેળાએ પ્રમુખશ્રી તથા જિ.વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલે ગ્રામ પંચાયતના વિકાસ માટે પોષણ, વેરા વસુલાત, નાણાપંચના કામો. PMAY, SBM જેવા અગત્યના વિષયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણને સુધારવા માટે છેલ્લા બે-ત્રણ મહિનાથી જિલ્લા પંચાયત સુરત દ્વારા એક વિશેષ ઝુંબેશ ચલાવાઈ રહી છે, જે અંતર્ગત CMAM પ્રોટોકોલ અનુસાર બાળકોનું નિયમિત સ્ક્રીનિંગ, હોમ વિઝિટ અને પોષણયુક્ત આહાર સાથે તબીબી સેવાઓ સુવ્યવસ્થિત રીતે પ્રદાન કરવામાં આવે છે.
આ ઝુંબેશને વધુ મજબૂત બનાવવા માટે, જિ.પંચાયત દ્વારા વિશેષ પ્રયત્ન થઇ રહ્યા છે. ખાસ કરીને ઓછા વજન ધરાવતી સગર્ભાઓને ધ્યાનમાં રાખીને જિ.પં.ના પદાધિકારી- અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી સ્વૈચ્છિક અનુદાન એકત્રિત કરી પોષણ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મગ, અડદની દાળ, ખારી શીંગ, રોસ્ટેડ ચણા, ચીકી, તલ લાડુ, ખજૂર, રાગી ના ખાખરા, સુખડી, ગોળ વગેરે સામેલ કરીને એક ‘ન્યુટ્રીશન કીટ’ તૈયાર કરાઈ છે. જિ.પં.ના પદાધિકારીઓ તેમજ ગ્રામ પંચાયતના સરપંચો તેઓના વિસ્તારમાં ન્યુટ્રીશન કીટ સગર્ભાના ઘરે જઇને વિતરણ કરશે. જેથી તેઓ સ્વાસ્થ્ય વિશે જાગૃત થાય અને પોષણ તથા આરોગ્ય પ્રત્યેનો સકારાત્મક સંદેશ ઘેરઘેર પહોચે. આ સાથે જિલ્લામાં ૧,૧૪૨ ઓછી વજન ધરાવતી સગર્ભા માતાની નિષ્ણાત સ્ત્રીરોગ તબીબો દ્વારા સંપૂર્ણ આરોગ્ય ચકાસણી (Comprehensive Check-up) પૂર્ણ કરવામાં આવી છે.
- શિબિરમાં સિકલસેલ રોગ (SCD) અંગે જાગૃતિ સેશનનું પણ આયોજન કરાયું હતું. રોગના કારણો, લક્ષણો અને વ્યવસ્થાપન, જીનેટિક કાઉન્સેલિંગ અને સ્ક્રીનિંગ ટેસ્ટના મહત્વ અંગે સમજ આપવામાં આવી.
- આ અવસરે સરપંચશ્રીઓને ગ્રામ વિકાસ માટેની માર્ગદર્શિકા અંગે માહિતગાર કરાયા હતા, અને ખાસ કરીને પ્રધાનમંત્રીની ફ્લેગશિપ યોજનાઓના સુવ્યવસ્થિત અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો.
- વિકાસલક્ષી મુદ્દાઓ પર ખાસ ભાર મૂકતા ગ્રામ પંચાયતોને ૧૦૦% વેરા વસુલાત માટે ઝુંબેશ ચલાવી ગામના સ્વ-ભંડોળમાં વધારો કરવાનો નિર્દેશ તેમજ ૧૫મા નાણાપંચના ફંડથી પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, આંતરિક રસ્તા, શાળાઓ અને આરોગ્ય સુવિધાઓમાં સુધારા માટે આયોજનની માહિતી અપાઈ હતી.
- સ્વચ્છ ભારત મિશન હેઠળ ગામોમાં ઘન કચરા વ્યવસ્થાપન, ગ્રામ પંચાયત વિસ્તાર ની તમામ સરકારી મિલકતોની જાળવણી અને સુરક્ષા સબંધિત પગલાઓ, ગંદા પાણીના નિકાલ અને ODF પ્લસ સ્થિતિ જાળવી રાખવા માટે પગલા અંગે માહિતગાર કરી પીએમ આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ સુરત જિલ્લાની કામગીરીની સમીક્ષા કરાઈ હતી
- શિબિરમાં ગામના પદાધિકારીઓને ગ્રામજનોના સ્વાસ્થ્ય, સ્વચ્છતા, શિક્ષણ, સિકલસેલ અને સગર્ભા માતાઓના સ્વાસ્થ્ય ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો, તેમજ ભવિષ્યમાં આ થીમ ઉપર કામ કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.