વડાપ્રધાન મોદીએ આજે દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સવારે 08:10 વાગ્યે વડાપ્રધાન કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા અને સરદાર પટેલની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યું હતું. દેશના એકીકરણમાં સરદાર પટેલના અદ્વિતીય યોગદાનને યાદ કરતાં વડાપ્રધાને ભારતની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના ઉજાગર કરી.
ભારતની અસ્મિતાના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાષ્ટ્રની નજર ગુજરાતના એકતાનગર પર મંડાયેલી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં આજે 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસનો સમારોહ ઐતિહાસિક રૂપ ધારણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ ભવ્ય સમારોહ એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે. મહત્ત્વનું છે કે, પ્રથમવાર એકતાનગર ખાતે દિલ્હીના ગણતંત્ર દિવસની તર્જ પર ટેબ્લો અને સશષા દળોની મુવિંગ પરેડ યોજવામાં આવી છે.
આ વર્ષની રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું સૌથી મોટું આકર્ષણ યુનિટી પરેડ બની છે. વર્ષ ૨૦૧૯થી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી સતત એકતાનગર ખાતે કરવામાં આવી રહી છે.
આ વર્ષે પ્રથમવાર દિલ્હીના ગણતંત્ર દિવસની પરેડની તર્જ પર સશષા દળો અને પોલીસ ટુકડીઓની મુવિંગ પરેડ લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે. શૌર્ય, શિસ્ત અને દેશભક્તિની ભાવનાથી ભરપૂર આ પરેડ રાષ્ટ્રની સંયુક્ત શક્તિની ઝલક પ્રસ્તુત કરી છે.
દિલ્હી ખાતે ૨૬મી જાન્યુઆરી-ગણતંત્ર દિવસની થતી ભવ્ય ઉજવણીની તર્જ પર આ વર્ષે પ્રથમવાર એકતાનગર ખાતે પણ સશષા દળ અને વિવિધ રાજ્યો દ્વારા પોતાની વિશેષતાઓ અને સિદ્ધિઓ દર્શાવતા ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવ્યો છે. જેમાં ‘એકત્વ’ની થીમ પર NSC, NDRF, આંદામાન એન્ડ નિકોબાર, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, મણિપુર, પુરુચેરી અને ઉત્તરાખંડને મળીને કુલ 10 ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
 
								 
			 
		 
		 
		 
		 
		 
		 
		 
		