રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોચાસણથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર તરફ જઈ રહેલી અર્ટીકા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર સાત વ્યક્તિમાંથી બેના મોત થયા છે, એક સ્વામી લાપતા બન્યા છે, જ્યારે ચારનો આબાદ બચાવ થયો છે.
મૃતકોના નામ
- કૃષ્ણકાંત પંડ્યા (આશરે 60 વર્ષ)
- પ્રબુદ્ધ કાસીયા (આશરે 10 વર્ષ)
‘પાણીનો પ્રવાહ બહુ વધારે હોવાથી ગાડી તણાઇ’ : પ્રાંત અધિકારી
બરવાળાના પ્રાંત અધિકારી એસ.વી.ચૌધરીએ જણાવ્યું હતું કે, ગઇકાલે એક અર્ટિકા કાર કે જેની અંદર સાત લોકો સવાર હતા. તેઓ ગોધાવટાના કોઝવે આગળ કે જ્યાં પાણીનો પ્રવાહ બહુ વધારે છે. તેને પાર કરવાની કોશિશ કરતાં ગાડી તણાઇ હતી. જેમાંથી ચાર લોકો બચી ગયા હતા અને ત્રણ લોકો ગાડી સાથે તણાતાં ફસાઇ ગયા હતા. જેમાંથી બે લોકોની લાશ મળી છે. તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
જ્યારે એક વ્યક્તિ હજુ લાપતા છે. તેના માટે NDRFની ટીમ કામે લાગી છે. આ ઉપરાંત એરિયલ સર્વે માટે ડ્રોન દ્વારા એક કિલોમીટરના અંતર સુધી એરિયલ સર્વે કરી દીધો છે.
શાંત ચરિત સ્વામી હજુ પણ લાપતા
પ્રાથમિક માહિતી મુજબ, કારમાં કુલ સાત લોકો સવાર હતા, જેમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી પણ સામેલ હતા. આ ઘટનામાં કૃષ્ણકાંત પંડ્યા અને આશરે 10 વર્ષના પ્રબુદ્ધ કાસીયા નામના બે વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે. જોકે, શાંત ચરિત સ્વામી હજુ પણ લાપતા છે અને તેમને શોધવા માટે મોટા પાયે શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે.