રશિયાની રાજધાની મોસ્કોમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં એક વરિષ્ઠ રશિયન જનરલનું મોત થયું હોવાની માહિતી અધિકારીઓએ આપી છે. રશિયન તપાસ સમિતિ મુજબ, સોમવારની સવારે એક કારની નીચે મૂકાયેલા વિસ્ફોટક ઉપકરણમાં બ્લાસ્ટ થતાં લેફ્ટનન્ટ જનરલ ફેનિલ સર્વરોવ ગંભીર રીતે ઘાયલ થયા હતા, ત્યારબાદ હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું. સર્વરોવ રશિયન સશસ્ત્ર દળોના ઓપરેશનલ ટ્રેનિંગ વિભાગના વડા તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
તપાસ એજન્સીઓએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને હત્યા તેમજ વિસ્ફોટકોના ગેરકાયદેસર ઉપયોગના કેસ નોંધવામાં આવ્યા છે. તપાસ દરમિયાન એક સંભાવનાની પણ તપાસ થઈ રહી છે કે આ હુમલામાં યુક્રેનિયન ગુપ્તચર એજન્સીઓની સંડોવણી હોઈ શકે છે, જોકે યુક્રેન તરફથી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ઘટનાસ્થળની તસવીરોમાં એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પાસે પાર્ક કરેલી એક સફેદ કાર સંપૂર્ણ રીતે નુકસાનગ્રસ્ત જોવા મળી હતી, જેના દરવાજા દૂર સુધી ફંગોળાઈ ગયા હતા. રશિયન મીડિયા અનુસાર, સર્વરોવે અગાઉ ચેચન યુદ્ધો તેમજ અન્ય સૈન્ય અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને સીરિયામાં પણ સૈન્ય કામગીરીનું નેતૃત્વ કર્યું હતું.
ક્રેમલિનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આ ઘટનાની તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ મોસ્કોમાં અનેક લશ્કરી અધિકારીઓ અને જાણીતા વ્યક્તિઓ પર હુમલાઓ થયા છે, જેને કારણે રશિયામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વધી રહી છે.