Sunday, Oct 26, 2025

રશિયાએ ચેર્નોબિલમાં પરમાણુ રિએક્ટર પર હુમલો કર્યો, ઝેલેન્સકીનો દાવો

2 Min Read

રશિયા યુક્રેન યુધ્ધ તણાવમાં નોંધપાત્ર વધારો થયો છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે એક રશિયન ડ્રોને ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટના કન્ટેઈનમેન્ટ સ્ટ્રક્ચર પર હુમલો કર્યો હતો, જેનાથી યુદ્ધના વિનાશક જોખમો વચ્ચે નવી ચિંતાઓ ઉભી થઈ છે.

ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે ડ્રોન દ્વારા કરાયેલા આ હુમલામાં રિએક્ટર 4 ના રક્ષણાત્મક આશ્રયસ્થાનને ટક્કર વાગી હતી, જે 1986 ની કુખ્યાત દુર્ઘટનામાં નાશ પામ્યો હતો. જોકે કિરણોત્સર્ગનું સ્તર સામાન્ય મર્યાદામાં રહ્યું હતું, પ્રારંભિક મૂલ્યાંકન આશ્રયસ્થાનને નોંધપાત્ર નુકસાન સૂચવે છે, અને થોડા સમય પછી આગ બુઝાવવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) એ ઘટનાને સમર્થન આપ્યું હતું, જેમાં રિએક્ટરના કિરણોત્સર્ગી અવશેષો ધરાવતા ન્યૂ સેફ કન્ફાઇનમેન્ટ નજીક વિસ્ફોટ થયો હોવાનો અહેવાલ આપ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે રશિયા દ્વારા ભારે વિસ્ફોટકોથી સજ્જ ડ્રોન દ્વારા ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો છે. કિવ સ્થિત પ્લાન્ટના રેડિયેશન શેલ્ટર પર રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે આગળ કહ્યું કે ડ્રોન હુમલાથી શેલ્ટરને નુકસાન થયું છે અને આગ લાગી હતી, હાલ જેને બુઝાવી દેવામાં આવી છે. જો કે તેમણે આ હુમલા અંગે વધુ વિગતો આપી નહોતી.

IAEA એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે 13-14 ફેબ્રુઆરીની રાત્રે લગભગ 1.50 વાગ્યે ચેર્નોબિલ સાઇટ પર IAEA ટીમે ન્યૂ સેફ કન્ફાઇનમેન્ટમાંથી વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો, જે ભૂતપૂર્વ ચેર્નોબિલ એનપીપીના રિએક્ટર ચારના અવશેષોનું રક્ષણ કરે છે. તેમને જાણ કરવામાં આવી હતી કે એક UAV એ NSC ની છત પર હુમલો કર્યો છે.

Share This Article