Wednesday, Oct 29, 2025

રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ: 38 વર્ષની ઉંમરે વિશ્વનો નંબર- 1 ODI બેટર

2 Min Read

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બુધવાર, 29 ઓક્ટોબરના રોજ જાહેર કરાયેલ નવીનતમ ODI રેન્કિંગ મુજબ, ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ 781 રેટિંગ પોઈન્ટ સાથે વિશ્વનો નંબર-1 બેટર બનવાનો ગૌરવ મેળવ્યો છે. 38 વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવતા રોહિત શર્માએ પોતાની કારકિર્દીમાં એક નવી ઉપલબ્ધિ નોંધાવી છે. અગાઉ આ સ્થાન ભારતના યુવાબેટ્સમેન શુભમન ગિલ પાસે હતું, જે હવે 745 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે ખસી ગયો છે. અફઘાનિસ્તાનનો ઈબ્રાહિમ ઝાદરાન 764 રેટિંગ સાથે બીજા ક્રમે છે.

રોહિત શર્માના રેન્કિંગમાં થયેલો ઉછાળો તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વન-ડે સિરીઝમાં તેમના શાનદાર પ્રદર્શનને કારણે આવ્યો છે. તેમણે બીજી મેચમાં 73 રનની ફિફ્ટી અને ત્રીજી વન-ડેમાં અણનમ 121 રનની ઈનિંગ રમી હતી, જેના કારણે ભારતને વિજય મળ્યો હતો. આ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે રોહિતને ત્રીજી વન-ડેનો પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.બીજી તરફ, ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને રેન્કિંગમાં એક સ્થાનનું નુકસાન થયું છે. ત્રીજી વન-ડેમાં તેમણે 74 રન બનાવી ટીમને જીત અપાવી હતી, પરંતુ અગાઉની બે મેચમાં સતત “ડક” પર આઉટ થવાને કારણે તેમનો રેટિંગ સ્કોર ઘટ્યો છે અને હવે તેઓ 725 પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે.

નવા અપડેટ મુજબ, ટોપ-10 ODI બેટરોમાં કુલ ચાર ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે — રોહિત શર્મા (1મો), શુભમન ગિલ (3મો), વિરાટ કોહલી (6મો) અને શ્રેયસ ઐય્યર (9મો). શ્રેયસ ઐય્યરને એક સ્થાનનો ફાયદો થયો છે, તેમ છતાં તાજેતરની ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન ફિલ્ડિંગ દરમિયાન તેમને ઈજા થતા હાલ તેઓ સારવાર હેઠળ છે.રોહિત શર્માની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત ગૌરવ નથી, પરંતુ ભારતીય ક્રિકેટ માટે ગર્વનો વિષય છે. 38 વર્ષની ઉંમરે પણ તેમની સતત પ્રેરણાદાયક ફોર્મ સાબિત કરે છે કે સમર્પણ, ધૈર્ય અને આત્મવિશ્વાસથી કોઈપણ વયે શિખર સર કરી શકાય છે.

Share This Article