ગુજરાત પોલીસને યુવકો સાથે લગ્ન કરી છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના આદિવાડા ગામના એક યુવક સાથે લગ્ન કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના ગુનામાં આ મોટી સફળતા મેળવી છે. બેચરાજી પોલીસે આંતર જિલ્લા ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો પર્દાફાશ કરી ત્રણ મહિલાઓ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. અહીં ચોંકાવનારી બાબત એ છે કે, આ ટોળકીએ માત્ર બેચરાજી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અનેક યુવાનોને લગ્નની જાળમાં ફસાવી શિકાર બનાવ્યા હતા.
આદિવાડા ગામના 31 વર્ષીય સચિનભાઈ રાજેશકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, અમદાવાદની એક યુવતી સાથે તેમના લગ્ન થયા હતા. લગ્નના ચારેક દિવસ બાદ યુવતીના બનેવી તરીકે ઓળખ આપનાર રાજુ ઠક્કર ‘પિતા બીમાર છે’ તેમ કહીને યુવતીને લઈ ગયા હતા. ત્યારબાદ યુવતી પરત ન ફરતા યુવાને છૂટાછેડાની વાત કરી હતી, જેના માટે આરોપીઓએ રૂ. 50 હજારની માંગણી કરી અમદાવાદ બોલાવ્યા હતા. ત્યાં યુવક સાથે ગાળાગાળી કરી, છૂટાછેડા આપવાને બદલે બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા. જે અંગે રૂ. 5.57 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.
આ મામલે કાર્યવાહી કરતા, ત્રણ મહિલા અને એક પુરૂષની ધરપકડ કરાઈ હતી. પૂછપરછ દરમિયાન ઘટસ્ફોટો થયા છે કે, મુખ્ય આરોપી ચાંદનીએ અલગ-અલગ જગ્યાએ ખોટા નામ અને દસ્તાવેજોના આધારે 15 યુવાનો સાથે લગ્ન કર્યા હતા. જ્યારે અન્ય આરોપી રશ્મિકાએ 4 અને સોનલ ઉર્ફે રીંકલ પ્રજાપતિએ 2 યુવાનો સાથે લગ્ન કરી છેતરપિંડી કરી હતી. આમ આ ટોળકીએ અલગ અલગ યુવતીઓ મારફતે અનેક યુવકોને ફસાવ્યા છે.
ધરપકડ કરાયેલા આરોપીઓ:
- ચાંદની રમેશભાઈ રાઠોડ (દુલ્હન)
- સુશિલા ઉર્ફે સવિતા રાઠોડ (દુલ્હનની માતા બનતી મહિલા)
- રાજેશ જીવણભાઈ ઠક્કર (બ્રોકર/બનેવી બનતો પુરુષ)
- રશ્મિકા સચિનભાઈ પંચાલ (સૂત્રધાર અને મેરેજ બ્યુરો ચલાવતી મહિલા)
છેતરપિંડીનો મોટો આંકડો:
પોલીસ પૂછપરછમાં આ ટોળકીના કારનામા બહાર આવ્યા હતા. ચાંદની નામે યુવતીએ 15 યુવકો સાથે લગ્ન કર્યા હતા. રશ્મિકા નામે યુવતીએ 4 યુવકો સાથે લગ્ન કર્યા હતા. સોનલ ઉર્ફે રીંકલ પ્રજાપતિ નામે યુવતીએ 2 યુવકો સાથે લગ્ન કર્યા હતા. કુલ 21 યુવકો સાથે લગ્ન કરીને છેતરપિંડી આચરવામાં આવી હતી.
કેવી રીતે ફસાવતા હતા?
મુખ્ય આરોપી રશ્મિકા પંચાલ પોતાને ‘મેરેજ બ્યુરો’ ચલાવતી હોવાનું કહીને યુવકોને શોધતી હતી. લગ્ન કરવા માંગતા યુવક અને તેના પરિવારને પોતાની ટોળકીની યુવતી સાથે મુલાકાત કરાવતી. ખોટા સંબંધો અને લગ્નની શરતો નક્કી કરીને પૈસા અને દાગીના પડાવતી.
લગ્ન માટે યુવતીના બનાવટી આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા. એક જગ્યાએ લગ્ન કરાવ્યા પછી થોડા જ સમયમાં યુવતીને ત્યાંથી ભગાડી દેવામાં આવતી અને બીજા શિકાર સાથે તેના લગ્ન કરાવી દેવાતા.
આ ટોળકીએ ગુજરાતના 10 જિલ્લાઓમાં જાળ બિછાવી હતી, જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વેરાવળ અને વડોદરા સહિતના વિસ્તારોના યુવકોનો સમાવેશ થાય છે.