Thursday, Oct 23, 2025

ધનાઢ્ય હોય કે ગરીબ, જીવન જીવવાની મજા નથી આવતી

8 Min Read
  • લોકો પ્રસંગોપાત્ત એકઠા થાય છે. પરંપરા નિભાવે છે પરંતુ આનંદ, ઉત્સાહ જોવા મળતા નથી
  • ઘર, ઓટલા, સોસાયટી કે શેરીના નાકા ઉપર ગરીબ, તવંગરના ભેદભાવ વગર ટોળટપ્પા કરવાનું સાવ બંધ થઈ ગયું છે, લગભગ દરેક વ્યક્તિ કોઈને કોઈ અસંતોષથી પીડાઇ રહ્યો છે
  • હજુ ગણતરીનાં  વર્ષો પહેલા ચારે તરફ જોવા મળતા આનંદ, ઉત્સાહ સાવ ઓસરી ગયા છે. લોકો જીવે છે, પરંતુ ઉમંગથી નહીં, જાણે જીવવા ખાતર જીવી રહ્યા છે
  • વડોદરામાં એક લગ્નપ્રસંગમાં સુરતના ટોચના ઉદ્યોગ-અગ્રણી, મનહર કાક‌િડયાના મોઢામાંથી અનાયાસે નીકળી પડેલા શબ્દોએ જાણે દરેકના મનમાં ઘુમરાતી વાતને શબ્દો આપી દીધા
  • કોઇ માને કે ના માને પરંતુ સામાજિક જીવનમાં ફરી વળેલી ઉદાસીનતા માટે બીજા કોઇને નહીં સરકારને જ દોષ આપવો પડે, નોટબંધી, જીએસટી અને કુદરતની મહામારી કોરોનાએ એટલી હદે બેહાલી કરી છે કે જીવનમા ઉમંગ, ઉત્સાહ સાવ ભુલાઈ ગયા

સામાન્ય જન  હવે આર્થિક રીતે થાકી ગયો છે, ઝૂંપડામાં રહેતો ગરીબ હોય કે મહેલમાં રહેતો ધનાઢ્ય માલેતુજાર હોય, પરંતુ એક પણ વ્યક્તિ માનસિક રીતે સુખી નથી, દરેકના જીવનમાં કંઇકને કંઇક ખૂટી રહ્યું છે. લગભગ દરેક વ્યક્તિ જીવનમા ખાલીપો અનુભવી રહ્યો છે. બંગલામાં નોકર, ચાકર અને ગાડીઓની હારમાળા હશે તેમ છતાં માનસિક આનંદ, સંતોષ જાણે ખોવાઇ ગયા છે.
હમણા થોડા દિવસ પહેલા વડોદરા ખાતે એક લગ્નપ્રસંગમાં જવાનું થયું હતું સિનિયર પત્રકાર, તંત્રી મયૂર પાઠકના દીકરાના લગ્ન હતા, સુર્યાપેલેસ હોટેલમાં રિસેપ્શન હતું. સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટના જાણીતા આગેવાનો, અધિકારીઓ અને પત્રકારોની હાજરી હતી. ઘણા લોકો એકબીજાને મળીને ભેટતા હતા. ખુશાલી વ્યક્ત કરતા હતા અને જાણે લાંબા સમયે ઘરની બહાર નીકળ્યા હોય એવી અનુભૂતિ કરતા હતા. એક ખૂણામા સુમધુર સંગીત રેલાતું હતું, આયોજન અદ્‍ભુત હતું. રિસેપ્શનમા નવયુગલને આશીર્વાદ આપવાની અનૌપચારિકતા પતાવીને મોટાભાગના લોકો ધીરેધીરે ભોજનના ટેબલ તરફ જઇ રહ્યા હતા અને પોતાની પસંદગીના મિત્રો, પરિચિતો સાથે ભોજન લઇ રહ્યા હતા. દરેકની વાતોનો વિષય અલગ-અલગ હતો. મોટા ભાગના આમંત્રિતો જાહેર જીવન સાથે સંકળાયેલા હોવાથી સ્વાભાવિક વર્તમાન રાજકીય અને ખાસ કરીને કેન્દ્રની મોદી સરકારની ચર્ચા ચાલી રહી હતી.

આ બધાની વચ્ચે સુરતના ઉદ્યોગ અગ્રણી, સુરત અને અમેરિકામાં કારોબાર ધરાવતા બલ્કે અતિધનાઢ્ય કહી શકાય એવા મનહર કાક‌િડયા પણ આ બધા મહેમાનોની હરોળમાં જ ટેબલ ઉપર બેઠા હતા. તેમની સાથે સુરતના પૂર્વ મેયર એકલબારાના ગાદીપતિ કદીર પીરઝાદા, મંત્રી પ્રફુલ્લ પાનશે‌િરયા, લેન્ડમાર્કવાળા માધવજી પટેલ વડોદરાના સ્થાનિક ભાજપના આગેવાનો, હોદ્દેદારો સહિત અન્ય લોકો હળવે-હળવે ભોજન લઇ રહ્યા હતા. વાતોનો વિષય બદલાતો જતો, રાજકીય, સામાજિક, ઔદ્યોગિક, વેપાર વગેરે બદલાતા વિષય વચ્ચે મનહર કાક‌િડયાના મોઢેથી નીકળેલા શબ્દોમાં લગભગ તમામે સાથ પુરાવ્યો હતો.

મનહર કાક‌િડયાનુ કહેવું એવું હતું કે કુદરતે બધું જ આપ્યું છે. સેંકડો લોકો, પરિવારો અઢળક સંપત્તિ અને પ્રતિષ્‍ઠા ધરાવે છે, પરંતુ મોટાભાગના લોકોના જીવનમાં ‘‘આનંદ’’ હણાઇ ગયો છે! ભૌતિક સુખ સાહ્યબી છે પરંતુ વર્ષો પહેલા શેરીઓમાં, સોસાયટીઓના ઓટલા કે નાકા ઉપર બેસીને વાતો કરવાની, ગપ્પા હાકવાની જે મજા આવતી હતી તે હવે મજા જાણે સાવ લૂંટાઇ ગઇ છે. રોજ સાંજ પડે ને મિત્રો, પરિચિતોના ઘરે જઇને પરિવારો સાથે બેસવાનું જાણે સાવ ભુલાઇ ગયું છે. મિત્રો, પરિચિતો સાથે બેસીને ચા, પાણી, નાસ્તા કરવાનું લોકોએ છોડી દીધું છે!

મનહર કાક‌િડયા પોતાનો અનુભવ વ્યક્ત કરતા હતા, પરંતુ મનહર કાકડીયાની વાત સાંભળનાર દરેક વ્યક્તિના મનમાં પણ આ જ વાત ઘુમરાતી હતી, જાણે મનહર કાકડીયા બધાના મનને પારખી ગયા હતા.
કારણ ગમે તે હોય પરંતુ વીતેલા ચારથી પાંચ વર્ષ દરમિયાન લગભગ દરેકના જીવનમા નહી ગમતુ પરિવર્તન આવ્યું છે. સામાજિક તાણાવાણા સાવ ચીંથરેહાલ થઇ ગયા છે. લોકોના ચહેરા ઉપરનું ‘નૂર’ ઊડી ગયું છે. લગભગ દરેક વ્યકિત મનની વાત કરવા માટે એક ખભાની શોધમા ફરતો હોય એવું લાગી રહ્યું છે. કદાચ આ સામાજિક પરિવર્તન માટે નોટબંધી, જીસએસટી, કોરોનાની મહામારી અને સરકારની જડતા-સંવેદનહીનતા પણ કારણભૂત હોઇ શકે. કોઇ માને કે નહીં માને, પરંતુ એક વાત ચોક્કસ છે કે નોટબંધી પછી લોકોના ખિસ્સા ખાલી થઇ ગયા છે, ગૃહિણીઓના પર્સમાં હવે ચાર ગડી કરેલી નોટો જોવા મળતી નથી કે રસ્તા પર બેઠેલા ‌િભખારીના વાટકા ખાલીખમ દેખાય છે. મંદિરોની દાનપેટી હવે છલકાતી નથી કારણ કે લોકો પાસેનું નાણું બેંકોમા ચાલ્યું ગયું અથવા તો ડિજિટલ થઇ ગયું છે.
એવું કહેવાય છે ખિસ્સામા ચલણી નોટો પડી હોય તો આત્મવિશ્વાસ પણ ગજબનો હોય છે અને જ્યાં આત્મવિશ્વાસ હોય ત્યાં આનંદ પણ રહેવાનો જ. મનહર કાક‌િડયાની વાત એટલા માટે સાચી માનવી પડે કે હવે લોકો પાસે આત્મવિશ્વાસ રહ્યો નથી. કારણ કે ખિસ્સામાં રૂપિયા નથી.

લોકોના ટોળા ભેગા કરી શકાય પરંતુ આનંદ મેળવવા માટે ખિસ્સું અને પેટ બંને ભરેલા હોવા જોઇએ. નોટબંધી અને જીએસટી પછી દેશનું અર્થતંત્ર એક તરફી થઇ ગયું છે. દેશનો ચોક્કસ વર્ગ અઢળક સંપત્તિ કમાયો છે, જ્યારે મધ્યમ અને ગરીબ વર્ગ જ્યાં હતા ત્યાંથી પણ નીચલા સ્તરે ચાલ્યા ગયા છે. વેપાર, ધંધા ઠપ્પ થઇ જવાથી અને આર્થિક આવકને મોટાે ફટકો પડવાથી સ્વાભાવિક રીતે જ વ્યક્તિનો આનંદ છીનવાઇ જાય. લોકોને એકઠા કરવામાં આવે, પરંતુ મન કોઇક ચિંતામાં ભટકતું હોય પછી આનંદ ક્યાંથી મળે? સુકાભઠ્ઠ ખેતરના ‘ઢેફા’ ઉપર બેસીને મળતો આનંદ હવે એ.સી. અને ભવ્ય બેડરૂમમાં કે લકઝરી હોટલોમાં મળતો નથી.
સુરતની જ વાત કરીએ તો અહીંયા રોજ સાંજ પડે ને ક્યાંક ને ક્યાંક બેઠકોનો દોર ચાલતો રહેતો હતો. કોઇના ફાર્મ હાઉસમાં ગમતા પરિવારો મળતા હતા. નાના-મોટા સંગીતના જલસા થતા રહેતા હતા. વળી આ જલસામાં માત્ર અમીરો કે અધિકારીઓ જ નહીં, રાજકીય, સામાજિક આગેવાનો અને શેરી કે સોસાયટીમાં રહેતા લોકો હિસ્સો બનતા હતા. સુરતના પૂર્વ પો.કમિ.રાકેશ અસ્થાનાએ સુરત શહેરમાં સૌથી વધુ પાર્ટીઓ કરી હતી, રાકેશ અસ્થાનાએ વહેલી સવારમાં અને ખાસ કરીને રવિવાર કે રજાના દિવસોમાં રોડ ઉપર લોકોને એકઠા કરીને યુટર્ન ‘સ્ટ્રીટ પ્લે’ કરવાની નવી પ્રથા શરૂ કરી હતી અને લોકો માત્ર બાળકો, પરિવાર સાથે જ નહીં, પરંતુ પોતાના પાળેલા પ્રાણીઓ સાથે શેરીના મેળાવડામાં હિસ્સો, બનવા દિવસોથી થનગનતા રહેતા, ઘર-પરિવાર અને બાળકો સાથે મેળાવડાનો ભાગ બનીને આનંદ માણવા ઊમટી પડતા હતા.

પરંતુ આજે આમાનું કંઇ જ નથી. લોકો યંત્રવત્ જીવી રહ્યા છે. વિકાસની વાતો વચ્ચે લોકો સુખ, શાંતિ અને સમૂહજીવન જીવવા માટે તડપી રહ્યા છે. રાજકીય રીતે પ્રદૂષિત થયેલા સમાજજીવનમાં લાગણીભીના સમૂહજીવનનો પુનઃ સૂર્યોદય ક્યારે થશે એ કહેવું મુશ્કેલ છે. પરંતુ પાટા ઉપરથી ઊતરી ગયેલી ધંધા- રોજગારની ગાડીને જેટલી ઝડપથી પાટા ઉપર ચઢાવવામાં આવશે એટલું જ સમાજજીવન ફરીથી આનંદ-કિલ્લોલ કરતુ થઇ જશે. જરૂર છે માત્ર સરકારમા ઘૂસી ગયેલા સ્વાર્થી તત્ત્વોને ઓળખવાની અને ભટકી ગયેલી સરકાર ફરી સમાજકલ્યાણની ભાવના સાથે મૂળ માર્ગે આવશે તો ઝૂંપડામાં રહેનારાથી શરૂ કરીને અઢળક સંપત્તિમાં આળોટતા લોકો આનંદનું જીવન જીવતા હશે અને પછી કોઇએ એવું કહેવું નહીં પડે કે જીવન જીવવાની મજા આવતી નથી.

આ પણ વાંચો :-

Share This Article