રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. શિયયઝોન, સાઈકલોનીક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વરસાદ લાવશે. અમરેલી, દ્વારકા, જૂનાગઢ, રાજકોટ સહિતના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં હળવાથી ભારે વરસાદના એંધાણ છે. માછીમારોને ૫ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૩ ટકા વરસાદી ઘટ છે.
બંગાળની ખાડીમાં ભારે વરસાદ લાવી શકતું લો પ્રેસર સર્જાયુ છે અને હજુ બીજું લો પ્રેસર સર્જાવાની આગાહી છે. તો પશ્વિમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે ટ્રોફ, દક્ષિણ ગુજરાતથી કેરલ વચ્ચે ટ્રોફના પગલે ગુજરાતમાં પણ ચોમાસુ પૂરજોશ ખીલી ઉઠયું છે. હવામાન વિભાગની આગાહી અને ચેતવણી અનુસાર, ગુજરાતમાં આખું અઠવાડિયું સાર્વત્રિક વરસાદ રહેશે અને આજે (૧૬મી જુલાઈ) ૭ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
રાહત નિયામક આઈ. એસ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહ દરમિયાન પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી તા.૧૬ થી તા.૨૨ જુલાઈ, ૨૦૨૪ સુધી સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, પોરબંદર,દેવભૂમિ દ્વારકા તથા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના છે. જે સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા તેમણે જણાવ્યું છે.