Sunday, Oct 5, 2025

RBIનો કડક નિયમ: EMI ન ચૂકવતા મોબાઈલ-ટીવી-વોશિંગ મશીન જશે બંધ

2 Min Read

લોકો ઘણી વાર EMI પર ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ ખરીદી લે છે, પરંતુ લોનના હપ્તા સમયસર ચૂકવતા નથી. જેના કારણે લોન વસૂલીમાં બેંક કર્મચારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) હવે એક નવો અને કડક નિયમ લાવવાની તૈયારીમાં છે. તેનો હેતુ મોબાઈલ, ટીવી, વોશિંગ મશીન જેવા પ્રોડક્ટ્સ માટેની નાની લોનની વસૂલીને સરળ બનાવવાનો છે. આ મુદ્દે RBIએ બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે ચર્ચા પણ કરી છે.

લોનની હાલની સ્થિતિ
ફાઈનાન્સ એક્સપર્ટ આદિલ શેટ્ટીના જણાવ્યા અનુસાર, ફોન, લેપટોપ કે અન્ય ઇલેક્ટ્રોનિક્સ ખરીદવા માટે મળતો લોન સામાન્ય રીતે કોલેટરલ-ફ્રી હોય છે, એટલે કે ગ્રાહકને કોઈ સંપત્તિ ગીરવી રાખવાની જરૂર નથી પડતી. આ લોન પર વ્યાજ દર 14% થી 16% સુધી હોય છે. જો RBI નવી વ્યવસ્થા લાગુ કરે છે, તો આવી લોનને સિક્યોર્ડ લોન (જેમ કે હોમ લોન, ઓટો લોન)ની શ્રેણીમાં લાવવી પડશે. સાથે સાથે બેંકોને વ્યાજ દરમાં પણ ઘટાડો કરવો પડશે.

અમેરિકા સહિત અનેક દેશોમાં આવી વ્યવસ્થા છે કે EMI ન ચૂકવાતાં કાર સ્ટાર્ટ નથી થતી. કેનેડા, આફ્રિકા, કેન્યા અને નાઇજિરિયા સહિત અનેક દેશોમાં આ પદ્ધતિ લાગુ છે.

દેશમાં એક તૃતીયાંશથી વધુ ગ્રાહકો ઇલેક્ટ્રોનિક્સ- ખાસ કરીને મોબાઇલ ફોન EMI પર ખરીદે છે. હાલ દેશમાં 1.16 અબજથી વધુ મોબાઇલ કનેક્શન છે. CRIF હાઇમાર્કના જણાવ્યાનુસાર રૂ. એક લાખથી ઓછી કિંમતના ફોનની લોનમાં ડિફોલ્ટ દર સૌથી વધુ છે.

કેવી રીતે લાગુ થશે નવી વ્યવસ્થા?

  • RBI જે મોડલ પર વિચાર કરી રહી છે તે ખાસ કરીને નાના ઉપભોક્તા લોન (મોબાઈલ, સ્માર્ટ ટીવી, વોશિંગ મશીન, ઇલેક્ટ્રોનિક્સ) પર લાગુ થશે.
  • EMI પર લેવાયેલા પ્રોડક્ટમાં પહેલેથી જ એક એપ અથવા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલું રહેશે.
  • જો ગ્રાહક હપ્તા ન ભરે, તો આ સોફ્ટવેર દ્વારા તે પ્રોડક્ટને દૂરથી જ લોક કરી દેવામાં આવશે.
  • એટલે કે, જો EMI બાકી રહેશે તો તમારો ફોન, ટીવી કે વોશિંગ મશીન બંધ થઈ જશે.
Share This Article