Thursday, Jan 29, 2026

બળાત્કાર–POCSO કેસમાં 60 દિવસમાં ચાર્જશીટ ફરજિયાત, મોડું પડ્યું તો અધિકારી જવાબદાર

3 Min Read

રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળાઓ પર થતા અત્યાચારોના કિસ્સામાં પીડિતોને ત્વરિત ન્યાય અપાવવા માટે સી.આઈ.ડી. (ક્રાઈમ અને રેલ્વેઝ) વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર હવેથી બળાત્કાર અને પોક્સો હેઠળના તમામ ગુનાઓની તપાસ ફરજિયાતપણે 60 દિવસની અંદર પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરવાની રહેશે.

બળાત્કારના ગુનામાં વધુમાં વધુ 60 દિવસમાં તપાસ પૂર્ણ કરવાની રહેશે
ગુજરાત રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળાઓ સામે થતા જાતીય અપરાધોને રોકવા અને પીડિતોને ઝડપી ન્યાય અપાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે. સી.આઈ.ડી. (ક્રાઈમ અને રેલ્વેઝ) વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવ દ્વારા તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકોને કડક સૂચના આપવામાં આવી છે કે મહિલા અને સગીર બાળા પરના બળાત્કારના ગુનાઓમાં હવેથી વધુમાં વધુ 60 દિવસમાં તપાસ પૂર્ણ કરવાની રહેશે. નવા ફોજદારી કાયદા (BNSS) હેઠળ મહિલા સુરક્ષા માટે CID ક્રાઈમનો કડક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર-જિલ્લા પોલીસ વડાઓને રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવા સૂચના
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) 2023 હેઠળ તપાસની ગુણવત્તામાં સુધારો કરવા માટે આ પગલું લેવાયું છે. કલમ 193(2) મુજબ જાતીય અપરાધોની એફ.આઈ.આર. નોંધાયાના બે મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવી હવે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી માટે કાયદેસરની જવાબદારી બની ગઈ છે. રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને આ બાબતે રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવા સૂચના અપાઈ છે.

ડિજિટલ પુરાવા અને ફોરેન્સિક પર ખાસ ભાર મૂકાશે
ડિજિટલ પુરાવા અને ફોરેન્સિક પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જેથી હવે ગુનાની સાબિતી માટે માત્ર નિવેદનો પૂરતા નહીં રહે. સાત વર્ષથી વધુની સજા હોય તેવા ગુનામાં ફોરેન્સિક નિષ્ણાતોની મુલાકાત અનિવાર્ય છે.

ગુનાની તપાસની સમગ્ર પ્રક્રિયા અને પુરાવા એકત્ર કરવાની વિધિની વીડિયોગ્રાફી કરવી પડશે. જેથી કોર્ટમાં પુરાવા સાથે છેડછાડની શક્યતા ન રહે. આ સિવાય રાજ્યના તમામ પોલીસ મથકોએ E-GujCop પ્લેટફોર્મ પર કેસની વિગતો સમયસર અપડેટ કરવી પડશે. આ ડેટા સીધો જ ‘ઇન્વેસ્ટિગેશન ટ્રેકિંગ સિસ્ટમ ફોર સેક્સ્યુઅલ ઓફેન્સિસ’ (ITSSO) પોર્ટલ પર રિફ્લેક્ટ થશે.

60 દિવસથી વધુ સમય લાગશે તો અધિકારીની જવાબદારી
આ પોર્ટલ દ્વારા નેશનલ ડેટા સેન્ટર પરથી પણ રાજ્યના પર્ફોર્મન્સની સમીક્ષા કરવામાં આવશે. જો કોઈ કેસમાં 60 દિવસથી વધુ સમય લાગશે તો તે અધિકારીની જવાબદારી ગણાશે.પોલીસ મહાનિદેશક (સી.આઈ.ડી. ક્રાઈમ) ડો. કે.એલ.એન. રાવ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે તમામ પોલીસ વડાઓએ પોતાના જિલ્લા કે શહેરમાં નોંધાયેલા આવા કેસોની નિયમિત સમીક્ષા કરવી અને તપાસમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

Share This Article