નવસારીમાં લગ્નની લાલચ આપીને યુવતી પર દુષ્કર્મ આચરવા અને તેને ગર્ભપાત કરાવવાના ગંભીર આરોપો સાથે સંકળાયેલા ભાજપના કાર્યકર અને ટેટૂ આર્ટિસ્ટ જય સોનીની આખરે ધરપકડ કરવામાં આવી હતી. આરોપી જય સોની લાંબા સમયથી ભૂગર્ભમાં હતો. તેણે નવસારી કોર્ટ બાદ ગુજરાત હાઈકોર્ટમાંથી પણ રાહત ન મળતા પોતાની જામીન અરજી પાછી ખેંચી લીધી હતી અને પોલીસ સમક્ષ હાજર થવું પડ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી
આરોપી જય સોની પર આક્ષેપ છે કે તેણે એક યુવતીને પોતાની વર્તમાન પત્નીને છૂટાછેડા આપીને લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે યુવતી આ સંબંધ દરમિયાન ગર્ભવતી બની, ત્યારે આરોપીએ તેને ધમકાવીને ગર્ભપાત કરાવી દીધો હતો. આ દુષ્કર્મમાં આરોપીના માતા-પિતાએ પણ પીડિતાનું અપમાન કર્યું હતું અને તેને ધમકાવી હતી. પીડિતાએ આ અંગે લગભગ સાત મહિના પહેલાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં જય સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.
આખરે પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ
પોલીસથી બચવા માટે જય સોનીએ પહેલા નવસારી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી, જે રદ થઈ હતી ત્યારબાદ તેણે હાઈકોર્ટમાં અરજી કરી, પરંતુ ત્યાં પણ તેને રાહત મળે તેમ ન લાગતા તેણે પોતાની અરજી પાછી ખેંચી લીધી અને પોલીસ સામે સરેન્ડર કરવું પડ્યું હતું. જય સોની ભાજપના સોશિયલ મીડિયા કન્વીનર તરીકે પણ કામ કરતો હતો. તેની ધરપકડથી રાજકીય અને સામાજિક સ્તરે ચકચાર મચી ગઈ છે.
આખરે, હાઈકોર્ટમાં પણ જામીન અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડતા બુધવારે જય સોનીએ નવસારી એસ.સી., એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. હરેશ યાંદુ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.