Friday, Oct 24, 2025

વલસાડમાં વરસાદી હાહાકાર: NDRF તૈનાત, મધુબન ડેમમાંથી છોડાયું પાણી, 32 રસ્તા બંધ

2 Min Read

ગુજરાતમાં ગઇરાત્રિથી મેઘરાજેએ દક્ષિણના જિલ્લાઓમાં તબાહી મચાવી છે. મોડીરાતથી શરૂ થયેલો વરસાદ હજુ પણ કહેર વર્તાવી રહ્યો છે. આજે સવારથી જ વલસાડ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સવારતી અહીં પાંચ ઇંચ વરસાદ ખાબકતા જિલ્લાની મોટાભાગની નદીઓ ગાંડીતૂર બની છે, અનેક વિસ્તારોમાં પાણી ભરતા 32થી વધુ રૉડ રસ્તાને બંધ કરવા પડ્યા છે. ખાસ વાત છે કે, નદીઓમાં નવા નીર આવતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાન કરવામાં આવ્યા છે, અને NDRFની ટીમ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે વલસાડમાં પહોંચી ગઇ છે

સવારથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે વલસાડ કલેક્ટરે પણ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી છે અને NDRFની ટીમ પણ પણ રાહત અને બચાવ કાર્ય માટે પહોંચી ચૂકી છે. હાલની સ્થિતિની વાત કરીએ તો મધુબન ડેમની જળસપાટી સતત વધી રહી છે. દર કલાકે ડેમમાંથી દમણ ગંગા નદીમાં 25 હજારથી વધુ ક્યૂસેક પાણીને છોડાઇ રહ્યું છે.

રસ્તાઓની સ્થિતિની વાત કરીએ તો, વલસાડ જિલ્લામાં કુલ 37 રોડ-રસ્તા બંધ કરવામાં આવ્યા છે, જેમાં પંચાયત હસ્તકના 34 રૉડ અને 3 સ્ટેટ હાઇવે સામેલ છે. હાલમં મધુબન ડેમમાં પાણી સતત વધી રહ્યું છે. આ ઉપરાંત નવસારી જિલ્લામાં પંચાયત હસ્તકના 19 રસ્તા અવરોધાયા છે, જેમાં વાંસદા તાલુકાના 14 રસ્તા, નવસારી તાલુકાના 2 રસ્તા તેમજ ચીખલીના 2 અને ખેરગામના 1 રસ્તો પ્રભાવિત થયો છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે બુધવારે ગુજરાતના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી અને દમણ તેમજ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Share This Article