Saturday, Oct 25, 2025

હવામાન વિભાગનો રેઈન અલર્ટ: આગામી 24 કલાકમાં 215 તાલુકામાં ભારે વરસાદની શક્યતા

2 Min Read

રાજ્યમાં વરસાદી માહોલ સાથે ચોમાસાની મોસમ જામી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 215 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજયના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આજે તારીખ 27 જૂનના રોજ સવારે 6 કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં 6 ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથના તલાલા, સુરતના મહુવા તથા જૂનાગઢના વિસાવદર અને માંગરોળ તાલુકામાં5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે ખેરગામ, સૂત્રાપાડા, ચીખલી, ઈડર, ખેડબ્રહ્મા અને વડગામ તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

નવ તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ
વધુમાં, ગણદેવી, બારડોલી, ડોલવણ, રાણાવાવ, કામરેજ, પારડી, દાંતા, કલ્યાણપુર અને કેશોદ એમ કુલ નવ તાલુકાઓમાં 3 ઈંચથી વધુ તેમજ કવાંટ, ભીલોડા, સુરત શહેર, નવસારી, કુંકાવાવ વડિયા, ઉમરગામ, મહેસાણા, વલોદ, વિજાપુર, જામ જોધપુર, કુતિયાણા, ટંકારા, પાલનપુર, ધરમપુર, રાજુલા, પાટણ, લોધીકા, માણાવદર, અમરેલી, વલસાડ અને જલાલપોર મળી કુલ 21 તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 40 તાલુકાઓમાં એક ઈંચથી વધુ અને 133 તાલુકાઓમાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોધાયો હોવાના અહેવાલો છે.

ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા
રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31.20 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36 ટકા અને કચ્છ ઝોનમાં 23.7 ટકા સરેરાશ વરસાદ
નોધાયો છે.

આ જિલ્લાઓમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ
આ સિવાય મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત અને ડાંગમાં પણ ગાજવીજ સાથે છુટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આવતીકાલે શનિવારે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. શનિવારે દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને બનાસકાંઠામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, પાટણ, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં સતત વરસાદી માહોલ છે. અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

Share This Article