વકફ સંશોધન બિલને સંસદના બંને ગૃહમાં પસાર કરી દેવામાં આવ્યું છે. પરંતુ હજુ આ મામલે રાજકારણમાં આકરો તાપ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષે આ મામલે સુપ્રીમમાં જવાની વાત કરી છે. ત્યારે હવે વકફ સુધારા બિલ પસાર થયા બાદ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહારો કરતાં કહ્યું હચે કે ભવિષ્યમાં અન્ય સમુદાયોને નિશાન બનાવવાની આશંકા છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક અંગ્રેજી અખબારનો અહેવાલ શેર કર્યો અને લખ્યું કે મેં કહ્યું હતું કે વકફ બિલ હાલમાં મુસ્લિમો પર હુમલો કરે છે, પરંતુ ભવિષ્યમાં અન્ય સમુદાયોને પણ નિશાન બનાવવામાં આવશે. તેમણે આગળ લખ્યું કે વકફ બાદ RSSનું ધ્યાન ખ્રિસ્તીઓ તરફ જતા વધુ સમય નથી લાગ્યો. બંધારણ એકમાત્ર ઢાલ છે જે આપણા લોકોને આવા હુમલાઓથી રક્ષણ આપે છે અને તેનું રક્ષણ કરવું એ આપણું સામૂહિક કર્તવ્ય છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ જે અહેવાલ શેર કર્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે સંસદમાં વક્ફ બિલ સફળતાપૂર્વક પસાર થયા બાદ RSSનું ધ્યાન કેથોલિક ચર્ચની જમીન પર ગયું છે. RSS-સંલગ્ન મેગેઝિન ઓર્ગેનાઇઝરના વેબ પોર્ટલ પર ‘ભારતમાં કોની પાસે વધુ જમીન છે? કેથોલિક ચર્ચ vs.વક્ફ બોર્ડ ચર્ચા’ શીર્ષકવાળા લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે કેથોલિક સંસ્થાનો પાસે 7 કરોડ હેક્ટર જમીનની માલિકી છે અને તેને સૌથી મોટા બિન-સરકારી જમીન માલિક તરીકે વર્ણવવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીએ આ બિલની ટીકા કરતા કહ્યું કે, ‘આ બિલ મુસ્લિમોને નબળા પાડવા અને તેમની સંપત્તિ અને ધાર્મિક અધિકારો છીનવી લેવાનો પ્રયત્ન છે. કોંગ્રેસ પાર્ટી આ કાયદાનો સખત વિરોધ કરે છે કારણ કે તે ભારતના મૂળભૂત વિચાર પર હુમલો કરે છે અને કલમ 25, ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.’