ગુજરાતમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ પોતાના સંગઠનને મજબૂત કરવા માટે એક મોટું અભિયાન શરૂ કરવાની તૈયારી કરી છે. આ અભિયાનની શરૂઆત અરવલ્લી જિલ્લાથી થશે અને ખુદ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આ અભિયાનનો પ્રારંભ કરાવશે.
મળતી માહિતી મુજબ, દેશભરમાં શરૂ થનારા સંગઠન સર્જનના પાયલોટ પ્રોજેક્ટ માટે ગુજરાતની પસંદગી કરવામાં આવી છે અને ગુજરાતમાં પણ અરવલ્લી જિલ્લાથી આ અભિયાનની શરૂઆત થશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં કોંગ્રેસના સક્ષમ અને કાર્યક્ષમ પ્રમુખોની પસંદગી કરવાનો છે, જેથી પાર્ટીને વધુ મજબૂતી મળી શકે.
રાહુલ ગાંધીના આગમનની તૈયારીઓના ભાગરૂપે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ એક પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું હતું, જેમાં તેમણે રાહુલ ગાંધીના કાર્યક્રમની માહિતી આપી હતી. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને પ્રદેશ કોંગ્રેસમાં પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે અને પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ આ અભિયાન દ્વારા ગુજરાતમાં ફરીથી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય અધિવેશનમાં કહ્યું હતું કે ‘તેલંગાણામાં જાતિ ગણતરી કરવા માટે અમે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. અમારે જાણવું હતું કે આ દેશમાં કોની કેટલી ભાગીદારી છે. મેં સંસદમાં પીએમ મોદીને કહ્યું હતું કે તમે જાતિ ગણતરી કરાવો. દેશને ખબર હોવી જોઈએ કે કેટલા દલિત છે, કેટલા પછાત છે, ગરીબ જનરલ વર્ગના લોકો કેટલા છે.
ઉલ્લેખનીય છે કે આગામી 2027માં યોજાનારી ચૂંટણીમાં ભાજપને માત આપવાનો કોંગ્રેસે પડકાર ફેંક્યો છે. તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશન બાદ જે ઠરાવો કરવામાં આવ્યા છે તેના પર અમલ લાગૂ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે કોંગ્રેસે તાજેતરમાં ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની વરણી માટે ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. 41 પ્રમુખો નક્કી કરવા માટે AICCના 50 અને PCCના 183 નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.