રાહુલ ગાંધીએ વાયનાડથી ઉમેદવારી કરી

Share this story

કોંગ્રેસ નેતા અને કેરળની વાયનાડ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીએ નોમિનેશન ફોર્મ ભર્યુ હતું. રાહુલ ગાંધીની સામે CPIએ મહાસચિવ ડી રાજાના પત્ની એન્ની રાજાને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ભાજપે પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રનને ટિકિટ આપી છે. વાયનાડમાં બીજા તબક્કામાં ૨૬ એપ્રિલે મતદાન યોજાશે જ્યારે ચૂંટણીનું પરિણામ ૪ જૂને જાહેર થશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા તેમણે બહેન પ્રિયંકા ગાંધી સાથે રોડ શો કર્યો હતો. આ દરમિયાન રાહુલે વિસ્તારના લોકોને કહ્યું કે તમારા સાંસદ બનવું એ સૌભાગ્યની વાત છે. તેમણે વધુમાં કહ્યું કે, વાયનાડના લોકોએ મને પરિવારનો એક ભાગ બનાવી દીધો. વાયનાડના દરેક વ્યક્તિએ મને સ્નેહ, પ્રેમ અને સન્માન આપ્યું છે અને મને પોતાનો ગણ્યો છે.

આ વખતે રાહુલ ગાંધી વિરૂદ્ધ CPIના મહાસચિવ ડી રાજાના પત્ની એની રાજા છે. પાર્ટીએ તેમણે વાયનાડથી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ભાજપે રાહુલ ગાંધી વિરૂદ્ધ પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ ત્રણેય દિગ્ગજ નેતા છે. ડી રાજાના પત્ની એની રાજાએ નોમિનેશન ફોર્મ ભર્યું હતું.

આ સાથે કોંગ્રેસે પાર્ટીની ‘ફાઈવ જસ્ટિસ ફિફ્ટી ગેરંટી’ને દેશના લોકો સુધી લઈ જવા માટે ‘ઘર ઘર ગેરંટી’ અભિયાન શરૂ કર્યું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઉત્તર-પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી તેની શરૂઆત કરી હતી. પાર્ટી ઓછામાં ઓછા ૮ કરોડ ઘરોમાં ગેરંટી કાર્ડ પહોંચાડવાની યોજના ધરાવે છે.