કાયદાના રક્ષક જ્યારે ભક્ષક બને ત્યારે સમાજમાં ભારે રોષ જોવા મળે છે. રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં સગીરા પર દુષ્કર્મ આચરી ફરાર થયેલા આરએસી (RAC) ના બરતરફ જવાન રાજેન્દ્ર સિસોદિયાને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોતાની ઓળખ છુપાવવા માટે આરોપી ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં મહિલાના કપડાં અને બુર્કો પહેરીને રહેતો હતો. જોકે, પોલીસની બાજ નજરથી તે બચી શક્યો નહીં અને આખરે જેલના સળિયા પાછળ ધકેલાયો છે.
આ ગંભીર ઘટના 15 ડિસેમ્બરે ધોલપુરના કોતવાલી વિસ્તારમાં બની હતી. આરોપી રાજેન્દ્ર સિસોદિયાએ પીડિતાના પિતાને રેલવેમાં નોકરી અપાવવાનું બહાનું બતાવી વિશ્વાસમાં લીધા હતા. એડમિટ કાર્ડ આપવાના બહાને તેણે 16 વર્ષીય સગીરાને પોતાના ઘરે બોલાવી હતી. જ્યારે સગીરા તેના નાના ભાઈ સાથે ત્યાં પહોંચી, ત્યારે આરોપીએ ચાલબાજી કરી ભાઈને ડોક્યુમેન્ટની ફોટોકોપી કરાવવા બહાર મોકલી દીધો અને પાછળથી સગીરા સાથે હેવાનીયત આચરી હતી. ઘટના બાદ આરોપી તુરંત ફરાર થઈ ગયો હતો, જેના પર પોલીસે 10 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું.
આ ઘટનાને પગલે કુશવાહા સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. રાજકીય નેતાઓ અને પૂર્વ ધારાસભ્યોએ આરોપીની ધરપકડ માટે આંદોલનની ચીમકી આપી હતી. વહીવટી તંત્ર દ્વારા દબાણ વધારવા માટે ધોલપુર નગર નિગમે આરોપીના મકાનના ગેરકાયદેસર હિસ્સા પર બુલડોઝર પણ ફેરવી દીધું હતું. ચારેબાજુથી ઘેરાયેલો આરોપી સતત લોકેશન બદલી રહ્યો હતો અને ક્યારેક પોતાને પોલીસ ઈન્સ્પેક્ટર તો ક્યારેક ડેપ્યુટી એસપી બતાવી લોકોને ગેરમાર્ગે દોરતો હતો.
ધોલપુર એસપી વિકાસ સાંગવાનના માર્ગદર્શન હેઠળ પોલીસે રાજસ્થાન, યુપી અને એમપીમાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. આખરે બાતમી મળી કે આરોપી વૃંદાવનમાં છે. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે દ્રશ્ય જોઈને ચોંકી ગઈ હતી, 50 વર્ષનો રાજેન્દ્ર ઓળખ છુપાવવા સ્ત્રીના વેશમાં અને બુર્કામાં ભીડ વચ્ચે રહેતો હતો. અગાઉ પણ પોક્સો એક્ટ અને અપહરણ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીને અગાઉ નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો.
હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તેની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ એ જાણવા પ્રયાસ કરી રહી છે કે તેણે નોકરીની લાલચ આપીને અન્ય કેટલી યુવતીઓને શિકાર બનાવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે જેથી તેને કડકમાં કડક સજા અપાવી શકાય. આ ધરપકડ બાદ પીડિત પરિવાર અને સ્થાનિક સમાજે રાહતનો શ્વાસ લીધો છે.