સુરતની સરકારી શાળામાં એડમિશન માટે લાગી લાઈન, હજારોનું વેઇટિંગ લિસ્ટ!

Share this story

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને વાંચતા પણ આવડતું નથી તેવી ફરિયાદ છે અને વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. તો બીજી તરફ શિક્ષણ સમિતિની કેટલાક સ્કૂલ એવી છે જ્યાં એડમીશન માટે પડાપડી થઇ રહી છે. સામાન્ય રીતે શિક્ષણ સમિતિની સ્કુલોમાં ગરીબ બાળકો અભ્યાસ કરે છે પરંતુ ઉત્રાણ, મોટા વરાછા, કતારગામ લલીતા ચોકડી અને પાલનપોર સહિતની સ્કૂલમાં માત્ર ગરીબ જ નહી પરંતુ પૈસાદાર લોકો ખાનગી સ્કુલમાંથી પોતાના બાળકોનું એડમિશન કઢાવી સરકારી સ્કૂલમાં પ્રવેશ લઈ રહ્યા છે.

Article Content Imageસુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળામાં લાંબી કતાર અને નીચે બેઠેલા વાલીઓની લાઈન કોઈ સરકારી યોજનાનો લાભ લેવા માટે નહીં પરંતુ પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવવા માટેની છે. એક જ પરિસરમાં આવેલી ત્રણ પાલિકા સંચાલિત શાળામાં ૩૫૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા રહેલી છે.

આ વર્ષે ૨ હજારથી ૩ હજાર જેટલા વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ બોલે છે. જ્યાં ચાલુ વર્ષે પણ આ શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ રીતસરનો ઘસારો જોવા મળી રહ્યો છે. આ શાળામાં માત્ર સામાન્ય અને ગરીબ વર્ગના નહીં પરંતુ શ્રીમંત પરિવારમાંથી આવતા લોકો પણ પોતાના બાળકોને શાળામાં એડમિશન અપાવવા માટે પ્રવેશ ફોર્મ ભરી રહ્યા છે. નવા શૈક્ષણિક ક્ષત્ર માટે શાળા તરફથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યાં આજે પ્રથમ દિવસે પોતાના બાળકોને એડમિશન અપાવવા માટે ૬૦૦ જેટલા વાલીઓ દ્વારા પ્રવેશ ફોર્મ ભરવામાં આવ્યા છે.

ઉત્રાણની શાળાના આચાર્ય ચેતન હીરપરા કહે છે, ૨૦૧૭માં શાળા શરુ કરવામા આવી ત્યારે અમારે સોસાયટી સોસાયટી જઈને પ્રવેશ માટે અપીલ કરવામાં આવી હતી. પહેલા વર્ષે ૭૨ જેટલી સોસાયટીઓમાં પ્રવેશ માટે પ્રચાર માટે અમે શિક્ષકો પોતે ગયા હતા અને પહેલા વર્ષે ૨૫૨ સંખ્યા થઈ હતી. પરંતુ અમારા શિક્ષકો દ્વારા આપવામાં આવતું શિક્ષણ અને વિદ્યાર્થીઓ અને વાલીઓના સપોર્ટ ના કારણે આજે આ શાળામાં એડમિશન માટે પડાપડી થઈ રહી છે.

આ પણ વાંચો :-