Wednesday, Dec 17, 2025

સોના-ચાંદીના ભાવમાં ભારે ઉછાળાને લઈને સંસદમાં હોબાળો, સરકારે આપ્યો જવાબ…

2 Min Read

દેશમાં વર્ષ 2025 દરમિયાન સોના અને ચાંદીના ભાવ સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે સોના કરતાં ચાંદીના ભાવમાં વધુ વધારો જોવા મળ્યો છે. આ વર્ષે સોનાના ભાવમાં 63 ટકા અને ચાંદીના ભાવ 118 ટકા વધ્યા છે. જોકે, આ મુદ્દો આજે સંસદમાં ઉઠ્યો હતો અને સરકારે તેનો જવાબ આપ્યો હતો. ડીએમકે સાંસદોએ સરકારને ભાવ નિયંત્રણ મુદે પ્રશ્ન ઉઠાવ્યો હતો.

ડીએમકે સાંસદો થિરુ અરુણ નેહરુ અને સુધા આર.એ લોકસભામાં તહેવારો અને લગ્ન સિઝનમાં લોકોનો બોજ ઓછો કરવા માટે પગલા લેવા જણાવ્યું છે. જેમાં ટેક્સ ઘટાડવો અને રિટેલ પ્રાઈસ કન્ટ્રોલ જેવા મુદ્દાઓ અંગે પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેમણે સતત નબળો પડી રહેલા રૂપિયા મુદ્દે આરબીઆઈની ગોલ્ડ રિઝર્વ ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

જયારે આ અંગે નાણા મંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું કે સોના ચાંદીનો સ્થાનિક ભાવ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક અને રૂપિયા-ડોલરના દ્વારા સંચાલિત થાય છે. તાજેતરની તેજી ભૂ-રાજકીય તણાવ, વૈશ્વિક વૃદ્ધિ અંગેની ચિંતાઓ, સલામત- ખરીદી અને કેન્દ્રીય બેંકો દ્વારા મોટા પ્રમાણના કરેલી ખરીદી છે.

જયારે નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવ સરકાર નહી પરંતુ બજાર નક્કી કરે છે. તેમ છતાં અનેક રાહત પગલાં લેવામાં આવ્યા છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે ગ્રાહકોને રાહત આપવા માટે સરકારે જુલાઈ 2024 થી સોનાની આયાત પરની કસ્ટમ ડ્યુટી 15 ટકા થી ઘટાડીને 6 ટકા કરી છે. સરકારે ભૌતિક સોનાની માંગ ઘટાડવા ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ ,ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ અને સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ જેવી યોજના અમલમાં મૂકી છે. જેથી માંગનો એક ભાગ નવી આયાતને બદલે સ્થાનિક સ્ટોકમાંથી પૂર્ણ કરી શકાય. જે ભાવના વધતો અટકાવશે.

આ ઉપરાંત મંત્રાલયે જણાવ્યું હતું કે 31 માર્ચ, 2025 સુધીમાં આરબીઆઈ પાસે સોનાનો ભંડાર 879.58 ટન હતો, જેનાથી રૂપિયાના મુલ્યની સ્થિરતામાં વધારો થયો છે. તેમજ રોકાણનું જોખમ, વ્યાજ દર ઘટાડાની અપેક્ષાઓ અને સતત આરબીઆઈ દ્વારા ખરીદી વચ્ચે કિંમતો ઘટી છે. પરંતુ તે હજુ સામાન્ય કરતા વધારે છે.

Share This Article