પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે આપ્યું રાજીનામું, જાણો કેમ?

Share this story

પંજાબની ભગવંત માન સરકાર સાથે તણાવ વચ્ચે પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે રાજીનામુ આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલી આપ્યું છે. પત્રમાં તેમણે કહ્યું છે, કે તેઓ કેટલાક અંગત કારણોસર અને પ્રતિબદ્ધતાઓને કારણે રાજીનામું આપી રહ્યા છે. રાજ્યપાલે કહ્યું કે હું પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકના પદ પરથી રાજીનામુ આપી રહ્યો છું. તેમણે એક દિવસ પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

પંજાબની ભગવંત માન સરકાર અને રાજ્યપાલ વચ્ચે ઘણી બાબતો પર મતભેદ ચાલી રહ્યા હતા. માન સરકાર રાજ્યપાલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પણ પહોંચી હતી. બે દિવસ પહેલા પણ સીએમ માને રાજ્યપાલ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે રાજ્યપાલ અમને હેરાન કરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં ચૂંટાયેલી સરકાર છે. અહીં ઈલેક્ટેડ રાજ કરશે કે, સિલેક્ટેડ રાજ કરશે. લોકતંત્રમાં ઈલેક્ટેડ રાજ ચાલે છે. પરંતુ કેટલાક લોકોને સિલેક્ટેડ રાજ કરવાની આદત પડી ગઈ છે. ભગવંત માન ચંદીગઢમાં મેયર ચૂંટણી મુદ્દે ભાજપ પર પ્રહાર કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાજ્યપાલ વાતવાતમાં કહી દે છે કે, આ કાયદેસર છે અને આ ગેરકાયદેસર છે. રાજ્યપાલ મમતા દીદીને બંગાળમાં અને અમને પંજાબમાં ખૂબ હેરાન કરે છે.

વિધાનસભામાં બિલ પાસ થવા છતાં રાજ્યપાલની મંજૂરી ન મળવા મામલે માન સરકાર સુપ્રીમ કોર્ટ પણ પહોંચી હતી. ત્યારબાદ રાજ્યપાલે પણ ત્રણ બિલને મંજૂરી આપી હતી. અનેક વખત રાજ્યપાલે ભગવંત માન વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની વાત પણ કરી હતી. જોકે, બંને તાજેતરમાં ગણતંત્ર દિવસના અવસર પર મળ્યા હતા. મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યપાલની સામે ગીત ગાયું હતું અને રાજ્યપાલે પણ તેમની પ્રશંસા કરી હતી.

૧૬ એપ્રિલ ૧૯૪૦ના રોજ જન્મેલા પુરોહિતે બિશપ કોટન સ્કૂલ, નાગપુર અને રાજસ્થાનમાંથી સ્કૂલનો અભ્યાસ કર્યો હતો. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી કોમર્સની ડિગ્રી મેળવી હતી. તેમને સક્રિય રાજકારણમાં ઊંડો રસ હતો અને મહારાષ્ટ્રના પછાત વિસ્તાર વિદર્ભની સતત અવગણના સામે લડવા ચૂંટણી લડવાનું નક્કી કર્યું. તેમણે ૧૯૭૮માં નાગપુર પૂર્વ મતવિસ્તારમાંથી અને ૧૯૮૦માં નાગપુર દક્ષિણ મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી જીતી હતી. ૧૯૮૨ માં, તેમણે મહારાષ્ટ્ર સરકારમાં શહેરી વિકાસ, ઝૂંપડપટ્ટી સુધારણા અને આવાસ રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી.

આ પણ વાંચો :-