પંજાબની ભગવંત માન સરકારે ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. જેમાં સરકારને મળેલી ફરિયાદ બાદ જેલમાં કામગીરી સુધારવા માટે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કેસમાં વિવિધ જેલોના 25 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.
ભ્રષ્ટાચાર અને ડ્રગ નેટવર્ક ચાલતું હોવા અંગે ફરિયાદો મળી
આ સસ્પેન્ડ કરાયેલા અધિકારીમાં 3 ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અને 2 આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ સહિત 25 જેલ કર્મચારીઓનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભગવંત માન સરકારનો આ નિર્ણય ભ્રષ્ટાચાર અને ડ્રગ નેટવર્કને નાબૂદ કરવાનો છે. સરકારને જેલની અંદર ભ્રષ્ટાચાર અને ડ્રગ નેટવર્ક ચાલતું હોવા અંગે ફરિયાદો મળી હતી.
ડ્રગ્સના વ્યસન વિરુદ્ધ મોટી લડાઈ
પંજાબ સરકાર ડ્રગ્સના વ્યસન અને ડ્રગ્સ સામે લડવા માટે અનેક મોટા પગલાં લઈ રહી છે. સરકારે ગુરુવારે અનન્યા બિરલા ફાઉન્ડેશન સાથે ડેટા ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સપોર્ટ યુનિટ બનાવવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. આ અંગે મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે આ પહેલ પંજાબ સરકારની ડ્રગ્સ સામે ચાલી રહેલી લડાઈનો એક ભાગ છે.
ડેટા ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સપોર્ટ યુનિટ પંજાબમાં ડ્રગ્સના જોખમનો સામનો કરવામાં મદદ કરશે. મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે આ એમઓયુ ડ્રગ્સ નિવારણ અને પુનર્વસન માટે પંજાબ સરકારના પ્રયાસોનો એક ભાગ છે.