ગુજરાતમાં રાજ્ય સરકારે કાયમી શિક્ષકોની ભરતી કરવાના બદલે કરાર આધારિત જ્ઞાનસહાયકોની ભરતી શરૂ કરી છે. ત્યારે આજે વધુ એકવાર ગાંધીનગર ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારો કાયમી ભરતી કરવાની માગ સાથે એકઠા થયા હતા અને હલ્લાબોલ કર્યો હતો. ગાંધીનગરના પથિકાશ્રમ પાસે આંદોલન કરી રહેલા ઉમેદવારોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
જ્ઞાન સહાયક નહીં કાયમી શિક્ષકની ભરતી કરવા માગ રાજ્યની શાળાઓમાં સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. ત્યારે કાયમી સરકારી નોકરીની આશા સાથે ટેટ-ટાટ પાસ કરનાર હજારો ઉમેદવાર કાયમી ભરતી થાય તેની રાહ જોઈ રહ્યા છે. હવે ધીમેધીમે ઉમેદવારોની ધીરજ ખૂટી રહી છે. આજે વધુ એકવાર ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી શિક્ષકોની કાયમી ભરતી કરવાની માગ કરી હતી.
રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી કાયમી શિક્ષકની ભરતીની માગ સાથે ગાંધીનગરમાં એકઠા થયેલા TET-TAT પાસ ઉમેદવારોએ હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર કરતા પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી. ઉમેદવારોએ વિરોધ કરતા પોલીસે ટીંગોટોળી કરી પોલીસના વાહનોમાં બેસાડ્યા હતા.
રાજ્ય સરકાર ભરતી અંગે નિર્ણય લે- જિગ્નેશ મેવાણી ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોના આંદોલનમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ જોડાયા હતા મેવાણીએ કહ્યું હતું કે, ગુજરાત સહિત ભારતમાં બેરોજગારીનો પ્રશ્ન ચરમસીમાએ છે. રાજ્ય સરકાર ખાલી પડેલા પદો પર તો ભરતી કરતી નથી. TET-TATના ઉમેદવારો લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે. ૭૦ હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. ત્યારે ૯૦ હજાર TET-TAT પાસ ઉમેદવારોને કાયમી નોકરી આપો. ઉમેદવારો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે પણ સરકાર તેની સાથે ચર્ચા પણ નથી કરી રહી. જો સરકાર આ અંગે તાત્કાલીક નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં અમદાવાદમાં એક રેલીનું આયોજન કરી વિરોધ કરીશું.
આ પણ વાંચો :-