જમ્મુ અને કાશ્મીરના કટરામાં આવેલા માતા વૈષ્ણોદેવી મંદિર સુધી પહોંચવા માટે 300 કરોડ રૂપિયાના ખર્ચે રોપવે બાંધવાની યોજનાના વિરોધમાં ગઈ કાલથી પિઠ્ઠુ, ટટ્ટુ અને પાલખીમાલિકોએ ત્રણ દિવસની હડતાળ શરૂ કરી છે. ગઈ કાલે તેમણે કટરામાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને માગણી કરી હતી કે આ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવે.
આ રોપ-વેના નિર્માણ બાદ 6 થી 7 કલાકની મુસાફરી ઘટીને એક કલાક થઈ જશે. હાલ વૈષ્ણોદેવી જનારા પગપાળા ચાલે તો પણ 6 થી 7 કલાક જેટલો સમય લાગે છે. તેમજ જો કોઈ ખચ્ચર દ્વારા જાય તો 4 કલાકમાં માતા ભવન સુધીની યાત્રા પૂર્ણ થાય છે. આ ઉપરાંત હેલિકોપ્ટરથી ગયા પછી પણ પગપાળા 2.5 કિલોમીટરનો ટ્રેક છે.
વૈષ્ણોદેવી એક એવું ધાર્મિક સ્થળ છે, જ્યાં દર વર્ષે હજારો-લાખો ભક્તો માતાના દરબારમાં દર્શન કરવા આવે છે. જેમાં સાંજીછટ પર હેલિકોપ્ટરની સુવિધા આપવામાં આવી છે. જેની મદદથી 15 મિનિટમાં તમે મંદિર સુધી પહોંચી શકે છે. તેમજ ભૈરો મંદિર સુધી પહોંચવા માટે હવે કેબલ રાઈડ શરૂ કરવામાં આવી છે. જે તમને બેથી ત્રણ મિનિટમાં ત્યાં લઈ જશે.
પોર્ટરોની રોજીરોટીના મુદ્દે એક પિઠ્ઠુમાલિકે કહ્યું હતું કે ‘યાત્રામાં ભાવિકોનો સામાન પકડીને લઈ જતા પોર્ટરોની રોજીરોટી આ યાત્રા-માર્ગ સાથે સંકળાયેલી છે અને રોપવે બનતાં તેઓ શું કરશે એ સવાલ છે. તેઓ અમારી સાથે આ શું કરી રહ્યા છે? તેઓ રોપવે માટે પહાડોને તોડશે? રોપવે બનતાં આશરે ૫૦૦૦ દુકાનદારોના ધંધાને અસર પડશે, કારણ કે તેમની રોજીરોટી આવનારા ભાવિકો પર નભે છે. જો કોઈ રાજકીય નેતા અમને ટેકો આપશે તો અમે ચૂંટણીમાં તેને સપોર્ટ કરીશું. જે લોકોને ગરીબ લોકોની પડી નથી એવા લોકોને અમે આગામી ચૂંટણીમાં હરાવીને જ રહીશું.
આ પણ વાંચો :-