બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે કેબિનેટની બેઠક યોજી હતી. આ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો કે હવે સરકારી નોકરીઓમાં ફક્ત બિહારની મહિલાઓને જ 35 ટકા અનામત મળશે. એટલે કે, હવે 35 ટકા અનામત માટે, મહિલા ઉમેદવાર માટે બિહારની રહેવાસી હોવી ફરજિયાત છે. આ અન્ય રાજ્યોની મહિલા ઉમેદવારો માટે એક આંચકો છે.
પહેલા બિહારની બહારની મહિલા ઉમેદવારોને પણ 35 ટકા અનામત મળતું હતું. હવે બહારની મહિલા ઉમેદવારો આ અનામતથી વંચિત રહેશે. એમ કહી શકાય કે મહિલાઓ માટે ડોમિસાઇલ નીતિ લાગુ કરવામાં આવી છે. બીજીતરફ, બિહારના દિવ્યાંગો માટે પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બિહાર પબ્લિક સર્વિસ કમિશન અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પ્રારંભિક પરીક્ષા પાસ કરવા પર, રાજ્ય સરકાર મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુની તૈયારી માટે 50 હજાર (BPSC ઉમેદવારોને) અને એક લાખ (UPSC ઉમેદવારોને) પ્રોત્સાહક રકમ આપશે. આજે કેબિનેટ તરફથી તેની મંજૂરી મળી ગઈ છે.
બિહાર યુવા આયોગની રચના
કેબિનેટની બેઠકમાં ‘બિહાર યુવા આયોગ’ની રચનાને પણ મંજૂરી આપવામાં આવી, જેનો ઉદ્દેશ્ય રાજ્યના યુવાનોને શિક્ષણ, તાલીમ અને રોજગારની તકો પૂરી પાડીને તેમને સશક્ત અને સક્ષમ બનાવવાનો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ આયોગની રચના અંગે X પર પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, “બિહારના યુવાનોને રોજગારની તકો અને તાલીમ આપવા માટે આ આયોગની રચનાને મંજૂરી આપવામાં આવી છે. આ આયોગ યુવાનોની સ્થિતિ સુધારવા અને તેમને લગતી બાબતોમાં સરકારને સલાહ આપવાનું કામ કરશે.” આયોગ વિવિધ વિભાગો સાથે સંકલન કરીને યુવાનો માટે રોજગારની તકો વધારવા અને તેમની કૌશલ્ય વિકાસની યોજનાઓ પર કામ કરશે.
રાજકીય અને સામાજિક મહત્વ
આ નિર્ણયો ચૂંટણી પૂર્વે લેવામાં આવ્યા હોવાથી તેનું રાજકીય મહત્વ પણ ઓછું નથી. મહિલાઓ માટે અનામતનો નિર્ણય રાજ્યમાં મહિલા મતદારોને આકર્ષવાનો પ્રયાસ ગણી શકાય, જ્યારે યુવા આયોગની રચના યુવા મતદારોની રોજગાર અને શિક્ષણની માંગને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે. આ બંને નિર્ણયો બિહારના સામાજિક અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી શકે છે, ખાસ કરીને મહિલાઓ અને યુવાનોના સશક્તિકરણના સંદર્ભમાં.