મહારાષ્ટ્રમાં બાળકના પગની જગ્યાએ કરી પ્રાઈવેટ પાર્ટની સર્જરી, જાણો શું છે સમગ્ર મામલો

Share this story

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શાહપુરમાં ૯ વર્ષના છોકરાના માતા-પિતાએ આક્ષેપ કર્યો છે કે સ્થાનિક જિલ્લા હોસ્પિટલના ડૉક્ટરોએ પગની સર્જરી કરવાને બદલે તેમના પુત્રના પ્રાઈવેટ પાર્ટની સર્જરી કરી દીધી છે. તેમણે હોસ્પિટલ અને સ્થાનિક શાહપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ડૉક્ટરોને એક જ દિવસે એક સરખી ઉંમરના ત્રણ દર્દીઓનું એક જ દિવસે ઓપરેશન કરવાનું હતું, જેના કારણે તેમણે આવડી મોટી ભૂલ કરી છે. જો કે, ડૉક્ટરોએ દાવો કર્યો હતો કે પગની સર્જરીની સાથે પ્રાઈવેટ પાર્ટની સર્જરી કરવી પણ જરુરી હતી કેમ કે બાળકને ફીમોસિસ હતો. માતા-પિતાની ફરિયાદ બાદ થાણે સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને તપાસ શરૂ કરી છે. આ પરિવાર શાહપુરના સરવલી ગામમાં રહે છે. બાળકના પિતા મજૂરી કરીને ઘર ચલાવે છે, જ્યારે માતા ઘરકામ કરે છે.

Dr.Smit Mehta | Bhavnagarસગીરના માતા-પિતાએ જણાવ્યું હતું કે, ‘ગયા મહિને છોકરાને તેના મિત્રો સાથે રમતી વખતે પગમાં ઈજા થઈ હતી. તેમને ૧૫ જૂને શાહપુરની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેની સારવાર ચાલી રહી હતી. ડોકટરોએ તેના પગને બદલે પ્રાઈવેટ પાર્ટની સર્જરી કરી નાખી છે. બાદમાં તેની ભૂલનો અહેસાસ થતાં ઇજાગ્રસ્ત પગની પણ સર્જરી કરી હતી.

જિલ્લા સિવિલ સર્જન ડો. કૈલાશ પવારે કહ્યું કે, આરોગ્ય અધિકારી આરોપોની તપાસ કરશે. હોસ્પિટલના મેડિકલ ઓફિસર ગજેન્દ્ર પવારે જણાવ્યું હતું કે, પગમાં ઈજા ઉપરાંત છોકરાને ફીમોસિસની સમસ્યા પણ હતી. ‘અમારે બે ઓપરેશન કરવાના હતા.’ બીજા ઓપરેશન અંગે માતા-પિતાને જાણ કરવા અંગે તેમણે જણાવ્યું હતું કે, ડોક્ટર કદાચ તેમને કહેવાનું ભૂલી ગયા હશે અથવા દર્દીના અન્ય સગાઓને જણાવ્યું હશે. ડોક્ટરોએ જે કર્યું તે યોગ્ય હતું અને તેમાં કંઈ ખોટું નથી. પરંતુ માતા-પિતાએ તબીબો દ્વારા આપવામાં આવેલ ખુલાસો સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.

આ પણ વાંચો :-