Monday, Dec 15, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે સુરતની મુલાકાતે, આ કાર્યક્રમમાં આપશે હાજરી

2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર સુરતનાં મહેમાન બનવા છે. પીએમ મોદી 7 માર્ચે લિંબાયતનાં એક કાર્યક્રમમાં હાજરી આપશે એવી માહિતી સામે આવી છે. પુરવઠા વિભાગ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી વૃદ્ધ સહાય પેન્શન યોજનાનાં કાર્યક્રમમાં હાજરી આપશે. PM મોદી રાત્રિ રોકાણ પણ સુરતમાં કરશે એવી શક્યતાઓ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વાર ફરી ડાયમન્ડ સિટી સુરતની મુલાકાતે આવશે એવા સમાચાર છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, 7 માર્ચનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવશે અને લિંબાયત વિસ્તારમાં પુરવઠા વિભાગ દ્વારા આયોજિત કરેલ કાર્યક્રમમાં હાજરી આપશે. માહિતી અનુસાર, વૃદ્ધ સહાય પેન્શન યોજનાનાં કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત રહેશે. અહેવાલ અનુસાર, લિંબાયત વિસ્તારમાં સાંજે 5 વાગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ પણ સુરતમાં (PM Modi in Surat) જ કરે તેવી શક્યતા છે. પીએમ મોદીનાં સુરત પ્રવાસને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી પણ શરૂ કરવામાં આવી ચૂકી છે.

નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત મેળવી છે. આ જીત બદલ ગઈકાલે પીએમ મોદીએ ટ્વીટ કરીને ગુજરાતનાં નાગરિકોનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ લખ્યું હતું કે, ‘ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ અતૂટ છે. સમય સાથે સંબંધ પણ મજબૂત બની રહ્યો છે. રાજ્યમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને સંપૂર્ણ સમર્થન અને આશીર્વાદ આપવા બદલ હું ગુજરાતનાં લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. વિકાસની રાજનીતિનો આ બીજો મોટો વિજય છે. આનાથી આપણા મહેનતુ કાર્યકરોને વધુ ઊર્જા સાથે લોકોની સેવા કરવાની તક મળશે. હું ભાજપનાં તમામ કાર્યકરોને અભિનંદન આપું છું, જેમની અથાક મહેનત અને પ્રયત્નોને કારણે આ ભવ્ય વિજય મળ્યો છે.’

Share This Article