Wednesday, Jan 28, 2026

ધાર્મિક સ્થળની મિલકત પર પૂજારીનો હક નથી: ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ ધાર્મિક સ્થળના પૂજારી તે મિલકત પર માલિકી હક ધરાવી શકતા નથી. પૂજારી એ માત્ર ભગવાનના સેવક છે. હાઈકોર્ટે આ ટિપ્પણી સાથે મંદિરના પૂજારી રમેશભાઈ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી બીજી અપીલને ફગાવી દીધી છે. આ ચુકાદાને પગલે જાહેર રોડ પર અવરોધરૂપ બનેલા ગણેશ મંદિરના ગેરકાયદે બાંધકામને હટાવવાનો માર્ગ મોકળો થયો હતો.

મળતી વિગતો અનુસાર, આ વિવાદની શરૂઆત આશાબેન કે. મોદી દ્વારા દાખલ કરવામાં આવેલા દિવાની દાવાથી થઈ હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમની જમીન પાસેના જાહેર માર્ગ પર સત્તાધિકારીઓની મંજૂરી વિના ગણેશ મંદિર બનાવવામાં આવ્યું છે, જે તેમના પ્રોપર્ટીમાં આવવા-જવાના કાયદેસરના રસ્તામાં અવરોધ ઊભો કરે છે. અગાઉ નીચલી અદાલત અને પ્રથમ એપેલેટ કોર્ટે પણ આશાબેનની તરફેણમાં ચુકાદો આપીને મંદિરનું બાંધકામ હટાવવાનો આદેશ આપ્યો હતો, જેને પૂજારીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

જસ્ટિસ જે. સી. દોશીએ આ કેસની સુનાવણી દરમિયાન પૂજારીના ‘એડવર્સ પઝેશન’ (કબજા હક) ના દાવાને સદંતર નકારી કાઢ્યો હતો. પૂજારીની દલીલ હતી કે તેઓ ૧૨ વર્ષથી વધુ સમયથી ત્યાં રહીને ધાર્મિક વિધિઓ કરે છે, તેથી તેમને કાયદેસરનો હક મળે છે. જોકે, કોર્ટે સ્પષ્ટતા કરી કે કબજા હક સાબિત કરવા માટે માલિકની વિરુદ્ધમાં શત્રુતાપૂર્ણ અને અવિરત કબજો સાબિત કરવો પડે. કોર્ટે અવલોકન કર્યું હતું કે પ્રતિવાદી માત્ર એક પૂજારી હતા, તેઓ માલિક નથી. પૂજારી તરીકેનો તેમનો દરજ્જો ભગવાનના સેવક તરીકેનો છે, મિલકતના માલિક તરીકેનો નહીં.

બાંધકામ સંપૂર્ણપણે ગેરકાયદેસર હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે પૂજારી હોવાને નાતે મિલકત પર કોઈ સ્વતંત્ર અધિકાર મળતો નથી. આ કેસમાં કાયદાનો કોઈ પાયાનો પ્રશ્ન ન જણાતા કોર્ટે અપીલ ફગાવી દીધી હતી. હાઈકોર્ટે અંતમાં જણાવ્યું હતું કે જાહેર માર્ગ પર કરવામાં આવેલું આવું કોઈપણ બાંધકામ “સંપૂર્ણપણે ગેરકાયદેસર અને અનધિકૃત” છે. આ ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે ધર્મના નામે જાહેર જમીનો કે રસ્તાઓ પર કરવામાં આવેલા દબાણોને કાયદાકીય રક્ષણ મળી શકે નહીં.

Share This Article